સુરત એ ગુજરાતી કલા-સંસ્કૃતિના વારસા માટે ખૂબ અગત્યનું કેન્દ્ર છે. ખાસ કરીને નાટ્ય પ્રવૃત્તિ માટે સુરતનો રંગમંચ જ નહીં અહીંના પ્રેક્ષકો પણ જાણીતા છે. આ પ્રવૃત્તિને ધબકતી રાખવામાં ગાંધી સ્મૃતિ ભવનનો ફાળો ખૂબ અગત્યનો છે. પાલિકાએ એકસમયે ધબકારો જ કલાકારો પાસેથી છિનવી લેવાનો કઠોર નિર્ણય લીધો હતો. નારાજ કલાકારોએ તેને બચાવવા ઝુંબેશ પણ હાથ ધરી હતી. કલાકારોની આ લાગણીને જ માન આપીને ગાંધી સ્મૃતિ રિનોવેટ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગાંધી સ્મૃતિ ખૂબ જલ્દી એક નવા રંગરૂપ સાથે કલારસિકોની સામે આવશે. ગાંધી સ્મૃતિમાં પરેશ રાવલ, રોહિણી હટંગડી, શફી ઈનામદાર જેવા અનેક મુંબઈના દિગ્ગજ કલાકારો અભિનય કરી ચૂક્યા છે તો મનહર ઉદ્યાસ અને જગજીતસિંગ જેવા ગાયકો માટે પણ આ હોલનું એક અલગ સ્થાન હતું.
બજેટની જોગવાઈ અનુસાર સુરત મનપાએ આખરે નાનપુરાના પ્રસિદ્ધ ગાંધી સ્મૃતિ ભવનનુ નવનિર્માણ કરવાનું આયોજન કર્યુ છે. અંદાજે 31 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું રિનોવેશન થશે. સુચિત નિર્ણય અનુસાર સુરતની મધ્યમાં સ્થિત આ ભવનની બેઠકની વ્યવસ્થા પણ વધારો થશે. લોકોની સુલભતા માટે આ સાથે જ અન્ય સુવિધાઓ પણ અહીં ઉભી કરાશે.
શહેરની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા 1980માં ગાંધી સ્મૃતિ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું. ગાંધી સ્મૃતિ ભવન સુરતનું પહેલું ઓડિટોરિયમ છે. અહીં વર્ષોથી અનેક મહારથીઓ નાટકો ભજવવા આવે છે અને તેણે અનેક મહારથીઓ ઊભા કર્યા છે. નાટ્યપ્રેમીઓ અને કલાકારો માટે ગાંધી સ્મૃતિ ભવન એ અલગ જ લાગણી ધરાવતો મનપસંદ હોલ છે. આ લાગણી સાથેનો હોલ એકસમયે પાલિકા છિનવી લેવા તૈયાર થઈ હતી. કલાકારોએ ભારે હ્રદયે તેના વિરૃદ્ધ ઝૂંબેશ શરૂ કરી હતી કે કોઈપણ ભોગે ગાંધી સ્મૃતિ હોલ જીવંત રહે. પાલિકાએ આ અવાજ સાંભળી તેને માન આપતાં હવે તેને વધારે આધુનિક અને સગવડયુક્ત બનાવવાનો નિર્ણય કર્યો છે.
પાલિકાના જણાવ્યા અનુસાર નવા ગાંધી સ્મૃતિ ભવનમાં બેઠકની વ્યવસ્થા વધારવાની સાથે ફૂડ કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હોય તો ગાંધી સ્મૃતિ ભવનની નજીક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાશે.