સ્ત્રી અત્યાચારના ગુનાઓનો ક્યારેક મહિલાઓ પોતાના સ્વાર્થ માટે દુરપયોગ પણ કરતી હોય છે. સમાજ માટે લાલબત્તીરૂપ એક ઘટનામાં ઘરેલું હિંમસા બાબતે સ્ત્રીની અરજી અદાલતે રદ કરી છે. અરજદાર પતિની તરફેણમાં એડવોકેટ પ્રીતિ જોશીએ દલીલો રજૂ કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોપીપુરામાં રહેતા વિભૂતીબેન રાણા ( કેસમાં તમામ પાત્રના નામ બદલવામાં આવ્યા છે ) ના લગ્ન વિકાસ રાણા સાથે 1988માં થયા હતા. શરૂઆતના સમયગાળામાં તેમનું લગ્ન જીવન સારું ચાલતું હતું. વિભૂતીબેન તેમના સાસુ-સસરા, જેઠ-જેઠાણી તેમજ દિયર-દેરાણીથી અલગ પતિ સાથે રહેતા હતા.
વિભૂતીબેન શરૂઆતથી જ તેમના સાસુ-સસરા જેઠ-જેઠાણી અને દિયર-દેરાણી સાથે કંકાશ કરતા.હતા. સાસરિયાને સતતને સતત કનડ્યા કરતા હતા. વિભૂતીબેન સાસરિયાની મિલકત પચાવી પાડવા સતત ઝગડો કરતા હતા. વિભૂતીબેન પતિ સાથે પણ ઝગડો કંકાશ કરી પોતાના મનનું ધાર્યું કરતા હતા. વિભૂતીબેને 2017માં પોતાનું અભિમાન પોસવા અને સાસરિયાને હેરાન કરવા સાસુ-સસરા,જેઠ-જેઠાણી,અને દિયર-દેરાણી ઉપર ખોટા આક્ષેપો કરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ઘરેલુ હિંસાની અરજી દાખલ કરી હતી.
સાસરિયા પક્ષના એડવોકેટ પ્રીતિબેન જીજ્ઞેશભાઈ જોશીએ વિભૂતીબેનની અરજી કાઢી નાખવા કોર્ટને અરજ કરી હતી. વિભૂતીબેનની અરજી ટકવાપાત્ર પણ ન હતી. કારણકે, ઘરેલુ હિંસા અધિનિયમના કાયદામાં જ આવતી ન હતી. સાસરિયા સાથે ન રહેવા છતાં એમને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ઘરેલુ હિંસાનો જો તેઓ ભોગ બનતા હતા તો આટલા લાંબા સમય પછી શા માટે અરજી કરી તેનો કોઈ ખુલાસો કર્યો ન હતો. આ સંજોગોને ધ્યાનમાં રાખી અરજદારની અરજી રદ કરવા એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોશી અને સંદીપ.આર.પટેલે રજૂઆત કરી .
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આર.એમ.ચાવડાએ સાહેબ આખરી હુકુમ કરીને જણાવ્યું હતું કે, રેકોર્ડ વંચાણમાં લેતા વિભૂતીબેને દાખલ કરેલી અરજી અને માંગેલી દાદ ધ્યાને લેતા આ અરજી ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ ન હોવાથી અને અરજીના ખુલાસા માટે વધુ મુદત ન્યાયના હિતમાં વિભૂતીબેનને આપવી અદાલતને ન્યાયિક અને ઉચિત જણાતું ન હોવાથી અને તેમાં ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી થઇ શકે તેમ ન હોવાથી વિભૂતીબેનની અરજી રદ કરવામાં આવે છે.