કાપિયો છે…એ…લપેટ…પકડ..પકડ…કિકિયારી, DJ પર વાગતા જોર જોરથી ગીતો, આકાશમાં રંગબેરંગી પતંગ, ધાબા પર જામતું પતંગ યુદ્ધ, હર્ષોલ્લાસ, ઉત્સાહ, ઉમંગ અને ખુશીઓનો તહેવાર એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો આનંદ જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે બેસીને ઊંધિયું, જલેબી, પુરી અને લીલવાની કચોરીની માણવાની મઝા પણ મજા. ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનું ખાસ મહત્વ છે અને તેની સાથે જલેબી તો હોય જ. ભાગ્યે જ તેવા ગુજરાતીઓ હશે જેમના ઘરે ઉત્તરાયણ પર ઊંધિયું ન બનતું હોય. 14 જાન્યુઆરીની સવાર પડે એટલે લોકોના ઘરમાંથી ઊંધિયામાં પડતાં ગરમ મસાલાના સોડમ આવવા લાગે. જો કે, કેટલાક લોકો બહારથી તૈયાર ઊંધિયું લાવવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે કેટરિંગવાળાનો તહેવાર સુધરી જતો હોય છે. કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આવામાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ વિવિધ તહેવારોની ઉજવણી કરતા હોય છે.આજે અહીં કેનેડાની વાત કરવાની છે કે જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે જેમાં પરિવારો સિવાય ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વિશાળ છે. જેઓ પણ ઉત્તરાયણ જેવા તહેવારની ઉજવણી કેનેડામાં કરે છે.
કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને પરિવારો પોતાના હાથ ખર્ચ કાઢવા માટે નોકરી-ધંધા કરતા હોય છે. વિદ્યાર્થીઓ ભણવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ, વિવિધ કંપનીઓ અને ફૂડ ચેઈનમાં તથા સ્ટોરમાં નોકરી કરતા હોય છે. આવામાં ગુજરાતીઓ ઉત્સવમાં પણ પોતાનો વ્યવસાય ચલાવતા હોય છે. જેમાં એક ગુજરાતી ઊંધિયું વેચી રહ્યા છે. માનસી દવે નામના યુઝરે સોશિયલ મીડિયા પર ટેસ્ટી ઊંધિયાના મેનૂ સાથે જાહેરાત પોસ્ટ કરી છે.માનસિએ કરેલી જાહેરાતમાં ઘણાં યુઝર્સ કે જેમણે અગાઉ ચટાકેદાર ઊંધિયાનો ટેસ્ટ માણ્યો છે તેઓ તેમના વખાણ કરી રહ્યા છે તો ઘણાં યુઝર્સ તેમના ઊંધિયાનો ટેસ્ટ માણવા માટે ઉત્સુકતા દર્શાવી છે.
મમાઝ કિચનના નામથી ઉત્તરાયણ સ્પેશિયલ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલા ઊંધિયું-પુરી કોમ્બો છે જેમાં ઊંધિયું, 5 પુરી, ફરસાણ અને મીઠાઈ પિરસવામાં આવે છે જેની કિંમત તેમણે 15 કેનેડિયન ડૉલર (લગભગ 900 રૂપિયા) રાખી છે. જો કોઈને માત્ર ઊંધિયાનો ટેસ્ટ કરવો હોય તો તેની કિંમત 12 ડૉલર રાખવામાં આવી છે. જોકે, માત્ર ઊંધિયું ખરીદવા માગતા હોય તેમણે 15 લોકો કે તેનાથી વધુનો ઓર્ડર આપવો પડે છે.એટલે કે કેનેડામાં રહેતા ગુજરાતીઓ હવે ઊંધિયું પુરીની મઝા માણી શકશે.
તેમના મેનુ પર આગળ નજર કરીએ તો થેપલા કોમ્બો પણ છે જેની કિંમત $10 રાખવામાં આવી છે. થેપલા કોમ્બોમાં થેપલા સાથે સૂકી ભાજી અને ચટની પણ મળશે. ઊંધિયું અને થેપલા સિવાય મેનુમાં મિક્સ ભજિયા પણ રાખવામાં આવ્યા છે જેની કિંમત 8 ડૉલર છે. તેઓ આ ઓર્ડર 13 અને 14 જાન્યુઆરીએ લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઊંધિયું હવે સ્ટવ પર બનવા લાગ્યું છે. પરંતુ પહેલાના સમયમાં તે માટલામાં બનાવવામાં આવતું હતું. બટાકા તેમજ રીંગણ સહિતના શાકભાજીને મસાલાથી ભરવામાં આવતા અને તેને બહારથી લિંપેલા માટલામાં મૂકવામાં આવતા. ત્યારબાદ માટલાને ઊંધુ પાડીને ચારેતરફ સૂકું ઘાસ ફેલાવવામાં આવતું અને તે સળગાવીને તેના આધારે અંદરના શાકભાજી શેકાતા હતા. સમય જતાં ઊંધિયું બનાવવાની માત્ર રીત જ નથી બદલાઈ પરંતુ તેમા વિવિધતા પણ આવી છે.