Apple iPhone કાર અકસ્માત દરમિયાન તમારો જીવ બચાવી શકે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલ કહે છે. રિપોર્ટ અનુસાર, Apple iPhone માટે એક એવા ફીચર પર કામ કરી રહી છે જે કાર ક્રેશની જાણ થયા બાદ ઑટોમૅટિક રીતે 911 (ઇમર્જન્સી નંબર) પર કૉલ કરશે. આ ફીચરને ‘ક્રેશ ડિટેક્શન’ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે કંપની તેને iPhoneની સાથે Apple Watchમાં પણ રિલીઝ કરી શકે છે.
આઇફોન પર ક્રેશ ડિટેક્શન ફીચર આવવાથી ઘણા લોકોના જીવ બચી જશે. રિપોર્ટ અનુસાર, ક્રેશ ડિટેક્શન ટેક્નોલોજી એપલ ડિવાઈસમાં બનેલા સેન્સર દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટાને માપે છે. ઉપકરણોની સેન્સર સિસ્ટમમાં એક એક્સીલેરોમીટર શામેલ હશે જે ‘જી-ફોર્સ’ દ્વારા કાર અકસ્માતોને શોધી કાઢશે. તમને જણાવી દઈએ કે Pixel ફોન પર Googleની પર્સનલ સેફ્ટી એપમાં કાર અકસ્માતની જાણ થવા પર મદદ માટે કૉલ કરવાની સુવિધા પહેલાથી જ સામેલ છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, એપલે સમગ્ર 2021 દરમિયાન ક્રેશ ડિટેક્શન ફીચરનું પરીક્ષણ કર્યું છે. આ માટે કંપનીએ આઇફોન અને એપલ વોચ યુઝરનો અલગ-અલગ ડેટા એકત્ર કર્યો છે. સંશોધન દર્શાવે છે કે આઇફોન અને એપલ વોચ 10 મિલિયનથી વધુ વાહન અકસ્માતો શોધવામાં સક્ષમ હતા, જેમાંથી 50,000 થી વધુના કોલ ઈમરજન્સી કોલ સર્વિસ પર ગયા છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ વર્ષ 2018માં એપલ વોચમાં ફોલ ડિટેક્શન ફીચર રજૂ કર્યું હતું, જે યુઝરના અચાનક પડી જવાના કિસ્સામાં ઈમરજન્સી કોન્ટેક્ટ્સને કોલ કરે છે.