સુરતના અડાજણ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” યોજાયો હતો. જેમાં ૧૯ દેશોના ૪૨ અને ભારતના છ રાજ્યોના ૨૦ પતંગબાજો તેમજ ૪૦ સુરતી પતંગબાજો સહિત ૯૦થી વધુ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવ્યા હતા. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપુર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા.
સમગ્ર રાજયમાં તા.૮ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ પ્રવાસન નિગમ દ્વારા પતંગ મહોત્સવ યોજાઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અલ્જીરીયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, બેલ્જીયમ, કંબોડીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, એસ્ટોનિયા, જયોર્જિયા, જર્મની, ગ્રીસ, જોર્ડન, ઈટાલી જેવા દેશોના ૪૨ પતંગબાજો તથા ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, રાજસ્થાનના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા.
ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન: આ યુગલ ૧૧ વર્ષથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે
અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં એક દંપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન પતંગ અને દોરીની જેમ સજોડે ૧૧ વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે. આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ ગુજરાતના કાઈટ ફેસ્ટિવલમાં થઈ હતી. ભારતીય વિનીતાબેન અને બેલ્જીયમના યોહાન વેનની પ્રથમ મુલાકાત અમદાવાદમાં વર્ષ ૨૦૧૦માં આયોજિત પતંગોત્સવમાં થઈ અને ૭ વર્ષ પહેલા તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. અમદાવાદના ૫૨ વર્ષીય વિનીતાબેન ૧૨ વર્ષથી કાઈટ વર્કશોપ કરી રહ્યા છે. તેઓ પતંગની થીમ પર બાળકોના પેઈન્ટિંગ વર્કશોપ કરે છે. કાઈટ પેઈન્ટીંગને વધુ લોકો સુધી પહોચાડવાના તેમના નાનકડા સપનાને મોટી ઉડાન ત્યારે મળી જ્યારે ૨૦૨૦માં નર્મદા જિલ્લાના કેવડીયા(એકતાનગર) ખાતે તેમને આ વર્કશોપ કરવાની તક મળી.
૪૦ વર્ષોથી પતંગોત્સવ સાથે સંકળાયેલા બેલ્જીયમના ૫૬ વર્ષીય યોહાન વેન ૨૦૧૦થી દર વર્ષે ગુજરાતમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સિવાય અન્ય ૮થી વધુ દેશોમાં પતંગબાજીનો કરતબ દેખાડી ચૂકેલા યોહાનને અહીંથી જીવનસાથી મળી હોવાથી ગુજરાત તેમના માટે ખાસ છે. વ્યવસાયથી એન્જિનિયર યોહાનનો પતંગ પ્રેમ તેમના ૫ મીટરના વિશાળ, જાતે ડિઝાઈન કરી બનાવેલા પતંગને જોતા છતો થાય છે. બેલ્જીયમના રાષ્ટ્રધ્વજના ત્રણેય કલરનો ઉપયોગ કરી બનાવેલા પતંગને તૈયાર કરતા તેમને આશરે એક મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ટ્રેક્સ જેમ્સ બેકર અને સરથ કિંગ્સલે ગુણવર્દને ચલાવે છે ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન
ઓસ્ટ્રેલિયાના ટ્રેક્સ જેમ્સ બેકર અને ૭૯ વર્ષીય સરથ કિંગ્સલે ગુણવર્દેનેએ કહ્યું કે, આવનારી પેઢીમાં પતંગનો વારસો અને રસ જળવાઈ રહે એ માટે વર્ષ ૧૯૯૫માં શરૂ થયેલા કાઈટ્સ ફોર કિડ્સ અભિયાન અંતર્ગત અમે બંન્ને ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં જઈને પતંગ વિશે સમજ આપીએ છીએ, તેમજ પતંગબાજીને લગતું જ્ઞાન આપવા માટેના વર્કશોપ આયોજિત કરીએ છીએ. શાળાઓમાં રજા હોય ત્યારે તેને લગતા કાર્યક્રમો પણ કરીને પતંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ છીએ. જેમાં ગ્રાફિક ડિઝાઈનિંગ, પતંગનો ઈતિહાસ, પતંગોના પ્રકારો અને પતંગ ઉડાડવામાં રાખવી પડતી કાળજી અને સેફટી અંગેની સમજ પણ આપીએ છીએ.
સરથ કિંગ્સલે કહે છે કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. ગુજરાતમાં હું અને બેકર પાંચમી વખત પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ.તો બેકર કહે છે કે, તેણે પાંચ વર્ષમાં ચીન, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ, બ્રાઝિલ, થાઈલેન્ડ તથા ઈન્ડિંયાના પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. સુરતનું ભોજન મને પ્રિય છે. સુરતની પ્રજા પ્રેમાળ અને ઉત્સાહી છે.
સુરત પતંગોત્સવમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત પતંગને આકાશમાં લહેરાવતી કોલંબિયાની માતા-પુત્રીની જોડી
અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત પતંગને કોલંબિયાની માતા-પુત્રીની જોડીએ આકાશમાં લહેરાવ્યો હતો અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. માતા અદ્રીયાના મારીયા સાથે પુત્રી સોફિયા અલ્વરેઝ સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થયા હતા.