સુરતના ત્રણ નવયુવાનો, સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય દેવેન્દ્ર સંજય પાટિલ, ૨૧ વર્ષીય સમાધાન પાટીલ અને ૨૩ વર્ષીય અજય યાદવે નાની વયે મોટી સફળતા મેળવી છે. સુરતમાંથી એકમાત્ર દેવેન્દ્ર પાટીલની NDA- નેશનલ ડિફેન્સ અકેડેમીમાં પસંદગી થઈ છે. દેવેન્દ્ર સાથે પરીક્ષાની તૈયારી કરનાર મિત્રો સમાધાન અને અજયે પણ અનુક્રમે સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ(CISF)-ઓડિશામાં સ્થાન મેળવ્યું છે. ડિફેન્સની વિવિધ પરીક્ષાઓની એક-સાથે તૈયારી કરી રહેલા આ ત્રણેય મિત્રોએ સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓ સંચાલિત ‘સડકથી સરહદ’ ગ્રુપમાં જોડાઈને વાંચન-લેખન અને ફિઝીકલ ટ્રેનિંગ મેળવી, જે આ પરીક્ષા પાસ કરવામાં ખૂબ મદદરૂપ બની.
મૂળ મહારાષ્ટ્રના વિંચૂર ગામનાં વતની દેવેન્દ્રએ સુરતના નવાગામ વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળામાંથી ધો.૧ થી ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સાથે શાળામાંથી જ NDAની પરીક્ષા માટે જરૂરી તમામ માર્ગદર્શન મેળવી છેલ્લા ૨ વર્ષથી તૈયારી શરૂ કરી હતી.
દેવેન્દ્ર કહે છે કે, આ પરીક્ષા માટે ગણિત અને અંગ્રેજી પર પ્રભૂત્વ જરૂરી હોવાથી યુ-ટ્યૂબનો સહારો લઈ સેલ્ફ સ્ટડી દ્વારા ગણિતમાં મહેનત કરી અને અંગ્રેજી માટે ઓનલાઈન ક્લાસીસનો સહારો લઈ લેખન-વાંચનની પ્રેક્ટિસ કરી હતી. રોજેરોજ અંગ્રેજીની વર્બલ પ્રેક્ટિસ માટે જાતે જ અરીસાની સામે બેસી જાત સાથે સંવાદ કરતો હતો.
દેવેન્દ્રએ ઉમેર્યું કે, તેમના ગ્રુપે ફિઝિકલ ફિટનેશ માટે સડકથી સરહદ ગ્રુપમાં કરેલી સામૂહિક પ્રેક્ટિસ ખૂબ ઉપયોગી નીવડી. જ્યાં એક સરખો અને મૈત્રીપૂર્ણ માહોલ મળી રહેવાથી ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે.
દેવેન્દ્ર કહે છે કે, NDA જેવી કઠિન ગણાતી પરીક્ષાની તૈયારીઓમાં શારીરિક ક્ષમતા સાથે માનસિક સંતુલન પણ અત્યંત આવશ્યક હોવાથી રોજ સવારે ૧૫ મિનિટ પ્રાણાયામ અને ૧.૩૦ કલાક દોડની પ્રેક્ટિસ કરી હતી. રોજના ૧૬ થી ૧૮ કલાક વાંચન કર્યું હતું. પરીક્ષાની તૈયારીના પ્રારંભથી જ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી મોબાઇલનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો. વધી.
સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પરિવારના સાથ સહકાર અને પ્રોત્સાહનથી નવી ઉર્જા મળી હતી. પરિવારની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા અને મારા અભ્યાસને આંચ ન આવે તે માટે મોટા ભાઈ વિશાલે અભ્યાસ અધૂરો મૂકી ખાનગી નોકરી શરૂ કરી હતી. કટલરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દેવેન્દ્રના પિતા સંજયભાઈ પાટીલ પુત્રની સફળતાથી અત્યંત ગૌરવ અનુભવે છે અને દેશસેવામાં વધુમાં વધુ યુવકો ધ્યાન કેન્દ્રીત કરે એવી સાથે અપીલ પણ કરે છે.