કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેમાં ઈન્દોર અને સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રનું નવી મુંબઈ ત્રીજા સ્થાને રહ્યું છે. રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટોચના રાજ્યોને પુરસ્કાર આપ્યા છે. ચાલો જાણીએ અન્ય શહેરોની શું સ્થિતિ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને વિજેતાઓની યાદી બહાર પાડવામાં આવે છે.
સમગ્ર શહેરમાં આનંદનો માહોલ
સમગ્ર કાર્યક્રમનું સુરત મહાનગરપાલિકા ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી, સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તમામ લોકોએ સુરતને છેલ્લાં ત્રણ વર્ષથી જે પીછેહઠ મળતી એમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તેમજ નંબરને યથાવત્ રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. એકસાથે આ અવસરના સાક્ષી બનવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
મહારાષ્ટ્રનું શાનદાર પ્રદર્શન
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો છે. 2023ના સ્વચ્છતા સર્વેમાં દેશના 4,400થી વધુ શહેરો વચ્ચે વિવિધ કેટેગરીમાં સ્પર્ધા હતી.
અન્ય રાજ્યોની સ્થિતિ
સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ શહેરોની વાત કરીએ તો યાદીમાં ચોથા સ્થાને આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે, એમપીની રાજધાની ભોપાલ પાંચમા સ્થાને છે, આંધ્રનું વિજયવાડા છઠ્ઠા સ્થાને છે, નવી દિલ્હી સાતમા સ્થાને છે, આંધ્રનું તિરુપતિ આઠમા સ્થાને છે, હૈદરાબાદ સાતમા સ્થાને છે. તેલંગાણા નવમા અને મહારાષ્ટ્રનું પુણે શહેર દસમા ક્રમે છે.
ઈન્દોરને 7મી વખત એવોર્ડ મળ્યો છે
ખાસ વાત એ છે કે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023માં મધ્યપ્રદેશના ઈન્દોરને સતત સાતમી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ શહેર દર વર્ષે સ્વચ્છતાની બાબતમાં નવા આયામો સર્જી રહ્યું છે. ઈન્દોર માટે આ એવોર્ડ લેવા માટે સીએમ મોબહન ભાગવત, મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર હર્ષિકા સિંહ સાથે શહેરી વહીવટી મંત્રી કૈલાશ વિજયવર્ગીય પણ પહોંચ્યા હતા.
ગયા વર્ષે માત્ર 221 માર્ક મળ્યા હતા
આ વર્ષે દેશનાં સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર વનનો ખિતાબ મેળવતાં રહી ગયું હતું. ત્યારે આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે.