ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયા બાદ ભારતમાં વર્ચ્યુઅલ મીડિયા તો સ્તબ્ધ છે જ પણ રિઅલ લાઈફમાં પણ ક્યારેય સાંભળવા ન મળ્યા હોય તેવા કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે. ક્યાંક કંપનીએ કર્મચારીઓમાં રજા જાહેર કરી તો ક્યાંક શાળાઓએ છુટ્ટી કરી દીધી. સૌથી દર્દનાક કિસ્સાઓ તો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાંથી બહાર આવ્યા છે જ્યાં આઘાત ન ઝીરવાતાં બે યુવકોએ આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બાંકુરામાં સિનેમા હોલ પાસે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે રાહુલ લોહાર (23) નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી.તેમના જણાવ્યા અનુસાર રાહુલના સંબંધી ઉત્તમ સૂરે જણાવ્યું હતું કે તે વિસ્તારમાં એક કપડાની દુકાનમાં કામ કરતો હતો.તે એક દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી દુઃખી થઈને તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી.
ઓરિસ્સાના જ જાજપુરમાં પોલીસે જણાવ્યું કે, દેવ રંજન દાસ તરીકે ઓળખાતો 23 વર્ષીય વ્યક્તિ, રવિવારની રાત્રે મેચ પછી તરત જ બિંઝારપુર વિસ્તારમાં તેના ઘરમાં લટકતો મળી આવ્યો હતો. પરિવારના સદસ્યએ કહ્યું કે ભારત મેચ હારી ગયા બાદ દાસ ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો.
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હ્રદયદ્રાવક હારથી સમગ્ર દેશ દુઃખી છે. સતત 10 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટાઈટલ મેચમાં મળેલી હારને ભૂલવી ચાહકો માટે મુશ્કેલ બની રહી છે. આ દુઃખને ગંભીરતાથી લેતા, ગુરુગ્રામની એક કંપનીએ તમામ કર્મચારીઓને એક દિવસની રજા આપી જેથી દરેક ઘરે રહી શકે અને તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી શકે. બીજી તરફ ફરીદાબાદની એક શાળામાં પણ યુનિટ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી.
માર્કેટિંગ મૂવ્સ એજન્સીના સભ્ય દીક્ષા ગુપ્તાએ ભારતની હાર અને ઓસ્ટ્રેલિયાની 6 વિકેટની જીત બાદ LinkedIn પર પોતાની લાગણીઓ શેર કરી હતી. તેણે કહ્યું કે કેવી રીતે વર્લ્ડ કપની દરેક ગતિવિધિ પર નજર રાખ્યા બાદ હવે તેના માટે આ હાર સહન કરવી મુશ્કેલ છે. આ પછી વાર્તામાં નવો વળાંક આવ્યો. બીજા દિવસે સવારે તેણે બીજો મેસેજ મોકલ્યો જે હવે વાયરલ થયો છે.
દીક્ષાએ નવી પોસ્ટમાં લખ્યું, ‘આજે સવારે જ્યારે હું જાગી તો મને બોસ તરફથી મેસેજ મળ્યો કે હારની અસર ઓછી કરવા માટે દરેકને એક દિવસની રજા આપવામાં આવી છે. તે આઘાતજનક હતું અને જ્યાં સુધી ઇમેઇલ સત્તાવાર રીતે ન આવે ત્યાં સુધી અમારામાંથી કોઈ પણ તેના પર વિશ્વાસ કરી શક્યું નહીં.’ તેણે આ પોસ્ટ સાથે તેના બોસના સંદેશનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો.
દીક્ષાના બોસ ચિરાગ અલવધિએ સંદેશમાં લખ્યું, ‘અમે ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારતની હારને કારણે અમારી ટીમ પર પડેલી અસરને સ્વીકારીએ છીએ. આ સમયે થોડો સપોર્ટ આપવા માટે, કંપનીએ આરામ માટે એક દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે. અમારું માનવું છે કે આ દરેકને ફરીથી એકત્ર થવાની અને પુનઃપ્રાપ્ત કરવાની તક પૂરી પાડશે. અમે મજબૂત રીતે પાછા આવીશું.’ બાદમાં, આ સંદેશ તમામ કર્મચારીઓને ઈમેલ દ્વારા પણ મોકલવામાં આવ્યો હતો.