ગુજરાતમાં આ વખતની ચૂંટણી ખરેખર અલગ છે ? જંગ ત્રિપાંખિયો છે ? કેટલાક લોકોનું માનવું છે કે, આપની એન્ટ્રીથી જંગ ત્રિપાંખિયો થાય એ વાતમાં વજૂદ નથી. આપની અસરથી કોંગ્રેસને ફટકો પડી શકે છે એવું માનતો વર્ગ રાજકારણમાં વધારે છે. આપને સુરતમાંથી એન્ટ્રી મળી હતી એટલે સુરતમાં તેનો દેખાવ કંઈક ચમત્કાર તો કરશે તેવું માનતો વર્ગ પણ અત્યાર સુધી ચર્ચામાં હતો. જોકે, પાટીદારોની નારાજગી લીધા બાદ હવે એ વાતોમાં દમ નથી રહ્યો. ટુંકમાં ગત બે-ત્રણ દિવસોમાં જ ઘણી સ્થિતિઓ બદલાઈ ચૂકી છે એટલે જેમ-જેમ દિવસો જશે એમ જોવું રસપ્રદ રહેશે. આ વાત સુરતની પશ્ચિમ બેઠક પરના બે ઉમેદવારોની પસંદગી પછી તો દિવા જેવી સ્પષ્ટ બની છે કે, ભાજપને સામે ચાલીને લાભ અપાઈ રહ્યો છે ત્રિપાંખીયા જેવી વાતોનો ફૂગ્ગો જલ્દી ફૂટી રહ્યો છે.
સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠક પર બે ચૂંટણીથી સૌની નજર હોય છે. ભાજપમાંથી વર્તમાન ધારાસભ્ય અને રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી ઉપરાંત મેયર હેમાલી બોધાવાલા, નિરવ શાહ, અનિલ ગોપલાણી, મુકેશ દલાલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ.કાશીરામ રાણાના પુત્ર દિપક રાણા, કેયુર ચપટવાલા સહિત સૌથી વધુ 62 દાવેદારો ચૂંટણી લડવા ઉત્સુક છે. જે અહીં ભાજપનો જીત માટેનો આત્મવિશ્વાસ તેમજ ઉત્સાહ દર્શાવે છે. ભાજપમાં વર્તમાન ધારાસભ્ય પૂર્ણેશ મોદીને ટિકિટ મળવા અંગે ગત વર્ષની જેમ જ સસ્પેન્સ હોવાની હવા બરકરાર છે. એ સંજોગોમાં આપ કે કોંગ્રેસની મજબૂત દાવેદારી અહીં કોઈક અલગ પરિણામ સર્જી શકે તેવી ભીતિ જણાતી હતી. જોકે, ગઈકાલે કોંગ્રેસ અને આજે આપના આ બેઠક માટેના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપ માટે અડધી ચિંતાઓ દૂર થઈ ગઈ હોવાનું વાતાવરણ સર્જાયું છે.
કોંગ્રેસમાં જુના અને જાણિતા એવા સંજય પટવાને જ્યારે મેદાનમાં ઉતારવામાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે જૈન સમાજ, ઉત્તર ગુજરાતી સમાજ ઉપરાંત વેપારી વર્ગ પણ નોંધપાત્ર સંખ્યાબળ ધરાવતાં કોંગ્રેસના પરંપરાગત મતદારો સાથે ઉતરશે તો પરિણામમાં કોઈક ચમત્કાર સર્જાઈ શકે છે. ભાજપમાંથી ઘણાં દાવેદારો હોવાને કારણે તેમાંથી નારાજગીનો પણ થોડો ફાયદો મળી શકે એ શક્ય હતું પરંતુ આપના ઉમેદવારના નામની આજે ઘોષણા થતાં આ તમામ અટકળો પર બિલ્કુલ પાણી ફરી વળ્યું છે. મોક્ષેશ સંઘવીને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળતાં જ સંજય પટવાના મતદારો પર કાપ મુકાયો છે. બીજીતરફ સુરત પશ્ચિમમાંથી ટિકિટ મળશે જ તેવી પાક્કી પૂર્વધારણા સાથે ઉછળકૂદ અને ઉત્સાહ ધરાવતાં આપના બે કાર્યકરોની નારાજગીનો પણ અહીં ફરક પડવાનો એ આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે અને આ બાબતે ગણતરીની મિનિટોમાં આક્ષેપબાજીથી વાતાવરણ ડહોળાયું છે.
ભાજપમાંથી કોને ટિકિટ મળશે એ હજી ભવિષ્યની વાત છે પરંતુ આપ અને કોંગ્રેસની ટિકિટ પસંદગીથી ભાજપની રાહ અહીં સરળ થઈ ગઈ છે એ નક્કી.