લોકલાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાણંદમાં રોડ શો કર્યો હતો. તેઓ આ સંસદીય ક્ષેત્રમાંથી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર છે.અમિત શાહે એપીએમસી ચોકથી નળસરોવર ચોક સુધીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો અને ભાજપના કાર્યકરોનું અભિવાદન કર્યું હતું.આ સાથે જ રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાન ઉપર જોવા મળી રહ્યા છે.
અમિત શાહે આ વાત કહી
સાણંદમાં રોડ શો પહેલા શાહે લખ્યું હતું કે હું કમળ ખીલે અને મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાની હાકલ કરીશ.” પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા શાહ, જેઓ ફરી એકવાર ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. શુક્રવારે ઉમેદવારી પત્ર ભરશે.
રેલીને પણ સંબોધશે
દિવસ દરમિયાન ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં શાહ દ્વારા કરવામાં આવેલા ત્રણ રોડ શોમાંથી આ એક છે. તેઓ સાંજે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેલીને સંબોધિત કરશે. અમદાવાદમાં સાણંદ બાદ શાહ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રોડ શો કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદ શહેરમાં ત્રીજો રોડ શો કરશે. ત્રીજો રોડ શો અમદાવાદ શહેરના સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિસ્તારના વિસ્તારોમાંથી પસાર થશે. આ તમામ વિધાનસભા મતવિસ્તારો ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે અને શાહ 2019માં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.
જય શાહ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ રોડ શોમાં જોડાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં પહોંચ્યો હતો. કે.કે નગરથી પસાર થઈને રોડ શો આગળ વધ્યો હતો. આ દરમિયાન જય શાહ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ રોડ શોમાં જોડાયા હતા. કે.કે નગર રોડ ઉપર રોડ શો જોવા લોકોની જનમેદની ઉમટી હતી. લોકો રસ્તા વચ્ચે પોતાના વાહનો મૂકીને કેન્દ્રીય ગૃહમંત્રીનો રોડ શો જોવા ઉભા રહી ગયા હતા. રોડની બંને તરફ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
41 ડિગ્રીમાં લોકોને પાણી અને છાશનું વિતરણ
ભાજપના કાર્યકરો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે કેસરિયા સાફામાં એકત્રિત થયા હતા. 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં લોકોને ઠંડક થાય એ માટે પાણી અને છાશનું વિતરણ કર્યું હતું.