કોર્ટની કાર્યવાહી ઝડપી બનાવવા, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ફાસ્ટર 2.0 પોર્ટલ શરૂ કર્યું છે. નવું પોર્ટલ કેદીઓની મુક્તિ અંગેના કોર્ટના આદેશોની માહિતી જેલ ઓથોરિટી, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટને તરત જ મોકલશે. તેનાથી કેદીઓને મુક્ત કરવામાં સમયની બચત થશે. વર્તમાન વ્યવસ્થા હેઠળ જેલમાંથી મુક્ત થવામાં ઘણો સમય લાગે છે. નવું પોર્ટલ શરૂ થયા બાદ આ મામલામાં ઝડપ આવશે અને કેદીઓને તાત્કાલિક મુક્તિ શક્ય બનશે. CJI ચંદ્રચુડે કહ્યું કે અમે એક પોર્ટલ શરૂ કરી રહ્યા છીએ, જ્યાં વ્યક્તિની મુક્તિના ન્યાયિક આદેશને તાત્કાલિક અમલ માટે જેલ, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ન્યાયિક પ્રક્રિયામાં ટેક્નોલોજી પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. વર્તમાન નિયમ હેઠળ, જેલમાંથી મુક્તિ માટેના અધિકૃત કોર્ટના આદેશની ભૌતિક નકલ ઘણા સરકારી વિભાગોમાંથી પસાર થાય છે. આ પછી કોર્ટનો આદેશ જેલ ઓથોરિટી પાસે પહોંચે છે. જેલ પ્રશાસન આદેશની નકલ મળ્યા બાદ જ કેદીને મુક્ત કરે છે. મતલબ કે કોર્ટ દ્વારા મુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યા બાદ પણ કેદીને જેલમાંથી મુક્ત કરવામાં સમય લાગે છે.