મુંબઈના પોલીસ કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની સહી સૂકાઈ નથી ત્યાં રાજકોટ અને સુરત પોલીસ સામે પણ કાળા છાંટા ઉડ્યા છે અને બરાબર એવા જ સમયે ગૃહ મામલાની સંસદીય સમિતિએ સંસદને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં પોલીસ સામાન્ય લોકો પ્રત્યે અસંવેદનશીલ હોવાથી સાર્વજનિક છબી નકારાત્મક બની રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માના નેતૃત્વવાળી ગૃહ મામલાની સંસદીય સમિતિએ એ બાબતે પણ ઘે્રી ચિંતા વ્યકત કરી છે કે IPS અધિકારીઓના હાથ પણ ભ્રષ્ટાચારથી ખરડાઈ રહ્યા છે.
સમિતિએ સંસદને સોંપેલા રિપોર્ટમાં કહ્યું છે કે સમગ્ર દેશમાં પોલીસની સાર્વજનિક છબી નકારાત્મક ઊભી થઈ રહી છે. સમિતિએ કહ્યું છે કે પોલીસ સામાન્ય આદમી પરત્વે અસંવેદનશીલ છે. સમિતિએ પોલીસ કર્મચારીઓમાં સંબંધિત વિશેષતાઓ વિકસિત કરવા વિવિધ પગલાઓ ભરવાની ભલામણ પણ કરી છે.
read more: નાગપુર પોલીસે લીધી પુષ્પાની મદદ, થઈ રહ્યું છે જબરદસ્ત વાયરલ
સમિતિએ કહ્યું છે કે, દરેક સ્તરે પોલીસ કર્મચારીઓના વલણમાં સકારાત્મક ફેરફાર લાવવાની જરૂર છે. સમિતિએ એવી ભલામણ કરી છે કે તાલિમી સંસ્થાઓએ પોલીસને યોગ્ય તાલિમ આપવી જોઇએ. સમિતિએ દેશભરમાં IPS ઓફિસરો વિરૂધ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો અંગે પણ ચિંતા દર્શાવી છે.
પોલીસ દળમાં મહિલાઓની ઘટતી જતી સંખ્યા પર પણ સમિતિએ ચિંતા વ્યકત કરી છે. સમિતિએ પોલીસ પ્રશિક્ષણ, આધુનિકીકરણ અને સુધાર પર ભાર મુકયો છે. રિપોર્ટ અનુસાર પોલીસ દળમાં ફકત ૧૦.૩૦ ટકા જ મહિલાઓ છે. પ્રત્યેક રાજ્યોએ ૩૩ ટકા મહિલા પોલીસના પ્રતિનિધિત્વ માટે રોડ મેપ તૈયાર કરવો જોઇએ.
સમિતિએ જણાવ્યું છે કે પોલીસની છબી ખરાબ હોવાથી આઇપીએસ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કર્મચારીઓ પર ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો કરવામાં આવી છે. સંસદીય સમિતિએ નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે પોલીસ જાહેર છબી સમગ્ર દેશમાં નકારાત્મક બની રહી છે.
કમિટીએ જણાવ્યું છે કે પોલીસનું વર્તન સુધારવા તેમને હકવાળા દ્રષ્ટિકોણને બદલે અધિકારવાળા દ્રષ્ટિકોણ અપનાવવો પડશે.પોલીસને શિક્ષણ આપતી સંસ્થાઓેએ પોલીસ કર્મચારીઓના વ્યવહારને કુશળ બનાવવાના પણ પ્રયત્નો કરવા પડશે.