મનુષ્યજાતિમાંથી જો કોઈ પણ વ્યક્તિને દુઃખ અથવા તો પીડા થાય તો તે આસપાસના લોકો કહીને કોઈપણ સમાધાન કરી શકે છે. પરંતુ જયારે મૂંગા પશુઓને કોઈ પીડા થાય ત્યારે તે કોને કહે… ત્યારે રાજ્યના આમ નાગરિકોની આરોગ્ય સેવા માટે જે રીતે શહેરો અને ગામડાઓમાં ૧૦૮ ઈમરજન્સી સેવા સફળતાપૂર્વક કાર્યરત છે એ જ રીતે અબોલ પશુઓ માટે પણ પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું અવિતરપણે કાર્યરત છે.
સુરતના અમરોલી સ્થિત ગાંધારી ગૌશાળા બીમાર અને બિનવારસી ગૌવંશની સેવા કરે છે. આ ગૌશાળા દ્વારા ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સના ડૉક્ટરને એક ગાયના શિંગડામાં થયેલા સડા અંગે જાણ કરી સારવાર માટે વાત કરવામાં આવી. ડૉક્ટરે સ્થળ ઉપર પહોંચી ગાયની તપાસ કરતા ગાયને શિંગડામાં કમોડી હોવાનું જણાયુ હતું. જેથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડૉ.કૃણાલ વડોદરીયા તથા પાયલોટ સુરેશભાઈ તેમજ ગૌ શાળા યુવક મંડળના સેવકોના સાથ સહકારથી ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ગાયની કમોડીની તકલીફ દૂર કરી તેને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી હતી.
આ ટીમની આ કામગીરીને લોકોએ ખુબ જ બિરદાવી હતી, તેમજ લોકોએ આભાર માન્યો હતો.