ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર મેન્સ ODI પ્લેયર રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને નુકસાન થયું છે. તાજેતરની રેન્કિંગમાં રોહિત એક સ્થાન સરકીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં તેના 791 રેટિંગ પોઈન્ટ છે. તે જ સમયે, વિરાટ કોહલી તેના બીજા સ્થાને યથાવત છે. વિરાટના 811 રેટિંગ પોઈન્ટ છે. તાજેતરની ICC ODI રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોની યાદીમાં વિરાટ અને રોહિત એકમાત્ર બે ભારતીય બેટ્સમેન છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 873 રેટિંગ સાથે ટોપ પર છે. તેના સિવાય બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં 41 બોલમાં 62 રનની ઈનિંગ રમનાર ક્વિન્ટન ડી કોક એક સ્થાન ઉપર ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેનો દેશબંધુ રાસી વાન ડેર ડુસેન પણ બે સ્થાન સુધરીને છઠ્ઠા નંબરે છે.
બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ એકમાત્ર ભારતીય બોલર છે, જે ટોપ-10માં સામેલ છે. બુમરાહ 679 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ 737 રેટિંગ સાથે ટોપ પર યથાવત છે. બોલિંગ લિસ્ટમાં ટોપ-7માં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ બાંગ્લાદેશ સામે કારકિર્દીમાં બીજી વખત પાંચ વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કાગીસો રબાડા પાંચ સ્થાનની છલાંગ લગાવીને આઠમા નંબરે પહોંચી ગયો છે. રબાડાના 658 રેટિંગ પોઈન્ટ છે.