સુરત સહિત દેશભરમાં અરેરાટી મચાવનાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા નક્કી કરી છે.સ્વ.ગ્રીષ્માને ન્યાય મળતાં આજે તેના પરિવારે રામધૂન ઉપરાંત નરાધમને ફાંસીની સજા સુધી દોરી જનાર પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં પહોંચશે એવી જાહેરાત ગુરુવારે જ કરી ચૂક્યા હતા અને એ માટે તેમણે આજના તમામ કાર્યક્રમો પણ પડતાં મૂક્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી ગ્રીષ્માના માતા-પિતાને સાંત્વના આપી હતી.
આ પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ અપરાધી હશે તેની સામે કડક કાર્યવાહી થશે. ગ્રીષ્મા સાથે બન્યું તેવું ભવિષ્યમાં કોઈ સાથે ન બને તે માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, બહેન દીકરીઓ પર નજર બગાડનાર છોડવામાં આવશે નહીં. બહેન દીકરીઓની રક્ષા કરવા ગુજરાત પોલીસ સક્ષમ છે. સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરવો. કોઈ પણ વાત બહાર નહીં આવે તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી થશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ વાલીઓને મારી વિનંતી છે કે, તેઓ તેમના દીકરાઓ શું કરે છે. કોની સાથે હળે-મળે છે. દિવસભર શેમાં વ્યસ્ત રહે છે. તેના ઉપર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, ટૂંકા દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળી એ ઐતિહાસિક ન્યાય છે. આ પ્રકારના ગુનેગારો ગુજરાતમાં આવી હરકત ન કરી શકે તેવો ચુકાદો આવ્યો છે. હું આજે ગ્રીષ્માના માતા પિતાને જે વચન આપ્યું હતું એ પૂર્ણ કરવા આવ્યો છું. મેં કહ્યું હતું કે ફરી ત્યારે જ આવી જ્યારે ગ્રીષ્માને ન્યાય મળશે.
ગ્રીષ્માની હત્યા બાદ થોડા દિવસોમાં ગૃહમંત્રીએ આરોપીને કડક અને ઝડપી સજા અપાવવાનું વચન આપ્યું હતું. આ વચન મુજબ જ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળતાં પરિવારને ઝડપી ન્યાય મળ્યો હતો. સાથે જ આ ન્યાય બાદ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતાં. તેમણે ગ્રીષ્માના પરિવારને સાંત્વના પાઠવી છે.
આ પ્રસંગે ગ્રીષ્માની હત્યામાં તપાસ કરનાર અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને બિરદાવતા મોમેન્ટો આપ્યાં હતાં.
ગ્રીષ્માના હત્યારાને ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા મળતાં વેકરિયા પરિવારે ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ગ્રીષ્માના આત્માની શાંતિ માટે રામધૂનનું આયોજન કર્યું હતું.