ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમોથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ મે મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી ધી લીગલ મેટ્રોલોજી રૂલ્સ તથા ધી પેકેઝ કોમોડિટીઝ રૂલ્સની જોગવાઈઓ અને કાયદાના ભંગ બદલ ૧૧૦૦ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧૩,૨૫,૧૫૨ની ચકાસણી અને મુંદ્રાકન અંગેની સરકારી ફી વસૂલ કરવામાં આવી હતી.
સુરત અને તાપી જિલ્લામાં મોબાઈલ કોર્ટ દરમિયાન ૪૭ વેપારી એકમો સામે પ્રોસિકયુશન કેસ કરી રૂા.૩૨૦૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરીને પાંડેસરા, બમરોલી વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન ૨૧ વેપારી એકમો સામે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૧૪,૩૦૦ તથા તાપી જિલ્લાના વ્યારા સ્ટેશન રોડ પર મોબાઈલ કોર્ટ દરમિયાન કુલ ૨૧ વેપારી એકમો સામે પ્રો.કેસ કરી રૂ.૭૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
કચેરી દ્વારા તોલમાપ તથા પી.સી.આર કાયદના ભંગ બદલ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો અન્વયે નિરીક્ષકો દ્વારા ઓચિતી તપાસ કરી દુધ, છાશ, સિગારેટ, કોલ્ડડ્રિકસ જેવી ચીજવસ્તુઓ છાપેવલ કિંમત કરતા વધુ ભાવો લેતા હોવાનું માલુમ પડતા સારોલી ખાતેના કુબેરજી વર્લ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠીયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.૪૮ હોટલ રામદેવ જેવી દુકાનો પર પ્રોસેકયુશન કેસો કરીને રૂા.૧૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, ગ્રાઉન્ડએ ફલોર અઠવાલાઈન્સ , સુરત સંપર્ક સાધવો તેમ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.