ગુજરાતમાં આજથી સાત દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલની વાત કરીએ તો કાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ગઈકાલે મોડી રાતથી જ માંડવીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં પાંચથી સવા પાંચ ઈંચ વરસાદ વરસતા અહીંનું બાડા ગામનું ટોપણસર તળાવ ભરાઈ ગયું છે. માંડવીનું ઐતિહાસિક ટોપણસર તળાવ સવારે 6:55 કલાકે છલકાયું હતું.ગત રાત્રીથી સવારે 7:45 સુધી 130 મિ.મી.વરસાદ પડ્યો હતો. આમ, મોસમનો કુલ 425 મિ.મી.વરસાદ નોંધાયો છે. જેથી હવે દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ આ તળાવને ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે વધાવવામાં આવશે અને મહાપ્રસાદ રાખવામાં આવશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બુધવાર 24 જુલાઈએ નવસારી, સુરત, વલસાડ, દમણ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગુરૂવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના દ્વારકાના ખંભાળિયામાં બુધવારે એક જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. ઘરના કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હોવાના અહેવાલ છે. રેસ્ક્યુ દરમિયાન ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ઘરમાં કુલ 6 લોકો હાજર હતા. જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા હતા, 3ના મોત થયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણીથી જળાશયો છલકાઈ ગયા છે. માંડવીમાં આવેલા બીચ પર જવાના રસ્તે જ આ ટોપણસર તળાવ આવેલું છે. ટોપણસર તળાવના જીમખાના પાસે નાસ્તાની લારીઓ પણ આવેલી છે. જ્યા મોટી સંખ્યામાં લોકો આ નજારો માણવા માટે ઉમટી પડ્યા હતા.