ગુજરાતમાં રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હોટેસ્ટ શહેર બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ બાદ આજે તાપમાનનો પારો ઉંચે ચડી જતા ચારેબાજુ જાણે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઇ હતી. ગુજરાતનું અમરેલીમાં ૪૪ ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૩.૪, મહુવામાં ૪૩.૪, કેશોદમાં ૪૨.૭, જૂનાગઢમાં ૪૨.૧ અને ભાવનગરમાં ૪૧.૭ ડીગ્રી નોંધાયું હતું.
ગુજરાતના હવામાન અંગેની આગાહી અને મેપ જાહેર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે, આજે, 17 એપ્રિલના દિવસે પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અકળાવનારી બની રહેશે. પોરબંદર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારા વિસ્તારમાં હીટવેવની અસર વધુ જોવા મળશે. હજુ આવતીકાલ સુધી તાપમાનમાં રાહત નહીં જોવા મળે.
સૂર્યદેવના રૌદ્ર સ્વરૂપથી વાતાવરણ ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. પશુ-પંખીઓ આકરા તાપથી ત્રસ્ત થઇ આકુલ-વ્યાકુળ બની ગયા હતા. ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકો અને ખુલ્લા માર્ગો ઉપર રસ્તા ખોદકામ સહિતની મંજુરીના કામમાં રોકાયેલા મજુરોની હાલત આકરા તાપમાં ચિંતાજનક બની રહી હતી.
હજુ એક સપ્તાહ ગરમીમાંથી મોટી રાહત મળવાની સંભાવના હવામાન વિભાગે નકારી કાઢી હતી. સ્કાયમેટ વેધરના મહેશ પલાવતે જણાવ્યું હતું કે તાપમાનનો પારો ૧થી ૨ ડિગ્રી ઘટી શકે પણ ૪૦થી નીચે જવાની સંભાવના હજી ઓછી છે.