એક માતા પોતાના બાળકો માટે આખી દુનિયા સાથે લડે છે. માતા એ નાનકડા જીવને પોતાના પેટમાં 9 મહિના સુધી પોષે છે. એવું કહેવાય છે કે એક માતા તેના બાળકોને ક્યારેય દુઃખી કરી શકતી નથી, પછી ભલેને બાળકો તેને ગમે તેટલા દુઃખી કરે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતા તેની નાની દીકરીને નિર્દયતાથી મારતી જોવા મળી રહી છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 9 વર્ષની દીકરીના શ્વાસ ના થંભે ત્યાં સુધી ગળું દબાવી માતાએ તવેથાથી માર માર્યો હતો. દીકરી રડતી રહી ‘મમ્મી હવે નહીં કરું, હવે નહીં કરું’ પણ આ નિષ્ઠુર માતા માનવા તૈયાર જ ન હતી
X પર વિડિયો શેર કર્યો
જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગુજરાતનો છે. ભુજના માધાપર પોલીસ મથકે સગી જનેતા સામે પુત્રીને તાલિબાની માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. બાળકીને માર મારતો હોવાનો વીડિયો પ્રથમ સામાજિક ગ્રૂપમાં પોસ્ટ થયા બાદ આગની જેમ મોબાઈલ ફોનમાં વાઇરલ થયો હતો. જેને લઈ વોટ્સએપ ગ્રૂપમાં આ વીડિયો જૂનો હોવા સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દરમિયાન ક્રૂરતાની હદ વટાવતો વીડિયો વાઈરલ થયા બાદ અનેક અટકળો બાદ આખરે આ ઘટના માધાપરની હોવાનું સામે આવતા બાળકીને માર મારતી મહિલાના પૂર્વ પતિની ફરિયાદના આધારે પોલીસે કલમ 323 અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો
વીડિયોમાં જોઈ શકાય છે કે નાની બાળકી પોતાને બચાવવા માટે મદદ માટે વિનંતી કરી રહી છે અને સતત ચીસો પાડતી જોવા મળે છે. માતા પણ છોકરીનું ગળું દબાવવાનો પ્રયાસ કરે છે. સ્ત્રી આવું એક વાર નહિ પણ બે વાર કરે છે. બાદમાં તે યુવતીને માર મારીને ખેંચીને બીજા રૂમમાં લઈ જાય છે. આ વિડીયો જોયા પછી કોઈપણને અચરજ થઈ જશે. સવાલ એ છે કે માતા આટલી પથ્થર દિલની કેવી રીતે હોઈ શકે કે તે પોતાના બાળકને આટલી ખરાબ રીતે મારવા લાગે?
બાળકીને માર મારવાનો વીડિયો બે વર્ષ જૂનો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બાળકીને માર મારતી માતાનો વીડિયો વાઈરલ થયા બાદ માધાપર પોલીસે તપાસ બાદ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ આજથી બે વર્ષ પહેલાં માધાપરના આંબેડકર નગરમાં ફરિયાદી અને આરોપી સાથે રહેતા હતા. તેમની 9 વર્ષની પુત્રીથી ઘરમાં તેલ ઢોળાઈ ગયું હતું. બસ આટલી નાની બાબતમાં પણ આરોપીએ બાળકીને તાવેથા વડે ઢોર માર માર્યો હતો. તેમજ ગળું દબાવ્યું હતું.
દંપતી વચ્ચે છૂટાછેડા થઈ ગયા
પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ના થાય અને પુત્રીનું ભવિષ્ય ના બગડે તે માટે જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ હવે વીડિયો વાઇરલ થતા આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું. ફરિયાદી અને આરોપી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આરોપી મૂળ ગોધરા અને હાલ રાજસ્થાનના જયપુરમાં રહે છે. આ મામલે માધાપર પોલીસે મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ પુત્રીને માર મારવા બદલ માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.