દુબઈમાં એક લગ્ન યોજાયા. આ લગ્ન સમારોહમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, કપિલ શર્મા, હિના ખાન, ટાઈગર શ્રોફ સહિત બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્નમાં આ સ્ટાર્સ પરસેવો રેડી રેડીને નાચ્યા. તેમના નાચ-ગાન બદલ હવાલાથી પૈસા મોકલવામાં આવ્યા હતા. લગ્નમાં કહેવાય છે કે કમસેકસ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભારતથી લગ્નમાં મહેમાનોને લઈ જવા માટે પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમની આગતાસ્વાગતા માટે કરોડો રૂપિયામાં મોંઘી હોટલ બુક થઈ હતી.. તમને જાણીને આંચકો લાગશે કે આ લગ્ન ત્રણ વર્ષ પહેલા સુધી છત્તીસગઢના ભિલાઈમાં જ્યુસની દુકાન ચલાવતા સૌરભ ચંદ્રાકરના હતા.
કોણ છે આ સૌરભ ચંદ્રાકર જે ત્રણ વર્ષમાં તે અબજો રૂપિયાનો આસામી બનીને રૂપિયાના જોરે બોલિવૂડને નચાવવા લાગ્યો. તેની ઓળખ માટે ત્રણ વર્ષ પાછળ જઈએ તો સૌરભ ભિલાઈમાં જ્યુસની દુકાન ચલાવતો હતો. સૌરભને સટ્ટાબાજીનો ખુબ શોખ હતો. તે પોતાના ગ્રુપમાં નાની-મોટી ચિત્રવિચીત્ર વાતો પર પણ સટ્ટો રમી લેતો હતો. કોવિડકાળમાં જ્યારે લોકડાઉન લાગ્યું તો ઑફલાઇન સટ્ટાબાજી બંધ થઈ ગઈ ત્યારે સૌરભે ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું. અહીંથી જ તેના મગજમાં સુતેલો શેતાન સળવળ્યો.તેની યોજના ઓનલાઈન સટ્ટાબાજીની એપ લોન્ચ કરવાની હતી.
સૌરભે ગેમિંગ એપના નામે મહાદેવ એપ શરૂ કરી હતી, પરંતુ આ ગેમિંગ એપ દ્વારા તેણે સટ્ટાબાજી કરવાનું શરૂ કર્યું હતું. તેણે ધીમે-ધીમે આ એપની મદદથી લોકોને સટ્ટાબાજીના વ્યસની બનાવવાનું શરૂ કર્યું. આ એપમાં બેટિંગ 500 રૂપિયાથી શરૂ થઈ હતી. આ એપ શરૂ કરવામાં સૌરભે તેના મિત્ર રવિ ઉપ્પલની પણ મદદ લીધી હતી.
આ એપને ડિઝાઇન જ એવી કરવામાં આવી લોકો આ સટ્ટાબાજી પર નાની રકમની શરત લગાવે, ત્યાં સુધી તેઓને નફો થતો હતો, પરંતુ જો તેઓ મોટી રકમ પર સટ્ટો લગાવે તો તેઓની હાર પાક્કી. જોતજોતામાં સેંકડો લોકો આ એપમાં જોડાવા લાગ્યા. લોકો રૂ. 500ની શરૂઆત કરી નફો મેળવતા ગયા અને લાલચમાં પછી તો રકમ વધારતા જ રહ્યા. લોકોએ તેમની કમાણીનો મોટો હિસ્સો આમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. હારનો અહેસાસ થવા લાગ્યો, પણ એ ખરાબ લત બની ગઈ હતી. એ રીતે સૌરભ અને તેનો મિત્ર રવિ સટ્ટાબાજીના ધંધામાં રાતોરાત ઉંચાઈએ પહોંચવા લાગ્યા.
સૌરભ ચંદ્રાકર અને રવિ થોડા સમય પછી યુએઈ ગયા અને ત્યાંથી મહાદેવ એપ દ્વારા બ્લેક સટ્ટાનો ધંધો કરવા લાગ્યા. દેશભરના અનેક લોકો તેની વેબનો હિસ્સો બની ગયા હતા. આ સટ્ટામાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હતા. મહાદેવ એપની સોશિયલ મીડિયા દ્વારા જાહેરાતો આપવામાં આવતી હતી અને દરરોજ નવા લોકો આ વ્યવસાયમાં જોડાતા હતા. સેલિબ્રિટીઓએ પણ આ સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. તપાસમાં સામે આવ્યું છે કે સૌરભ ચંદ્રાકરનો આ કાળો કારોબાર 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ સટ્ટામાં 50 લાખથી વધુ લોકો મેમ્બર્સ બન્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે દુબઈમાં સૌરભ ચંદ્રાકરના લગ્ન થયા ત્યારે તેનો ભભકો જોઈને આ તમામ વાસ્તવિકતા સામે આવી. હવાલા દ્વારા ફિલ્મ સ્ટાર્સને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને બોલિવૂડ ત્યાં નાચવા પહોંચી ગયું. આ મામલામાં તપાસ શરૂ થઈ ત્યારે એક પછી એક મોટા સ્ટાર્સના નામ સૌરભ ચંદ્રાકરના બ્લેક સટ્ટાના ધંધામાં ઉમેરાવા લાગ્યા. અત્યાર સુધી આ કેસમાં રણબીર કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાન સહિત ED જે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે, તેમાં 30 થી વધુ બોલિવૂડ સ્ટાર્સની ઓળખ કરી છે,
બોલિવૂડ, ટેલિવિઝન ઉદ્યોગ અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ સહિત 30 થી વધુ હસ્તીઓને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે સાક્ષી તરીકે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. તેમાંથી ઘણાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં MOBની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યારે અન્ય કેટલાક લોકોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં ચંદ્રાકરના લગ્નની પાર્ટીમાં હાજરી આપી હતી.