મહેસાણાના લોકો માટે ખુબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે.જેમાં વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.16 થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ભાગ લેવા માટે મહેસાણા આવશે.આ ઉપરાંત મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.આ સાથે જ આ સાથે સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શંકરાચાર્યજી અને દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસના ઉત્સવમાં ત્રણ લાખ ભક્તો ભાગ લેશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો આવવાની અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિસનગરના તરભમાં વાળીનાથ ધામ ખાતે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ મહોત્સવમાં સંતો-મહંતો તથા રાજકીય અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. તેમજ સવારે શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરના સમયે રાજકીય આગેવાનોનું ઉદબોધન અને સન્માન સમારો થશે. સાંજના સમયે ચારેય દિશાઓના શંકરાચાર્યો દ્વારા અલગ-અલગ દિવસે ઉદબોધન આપવામાં આવશે. આ ઉપરાંત જાણીતા મોટીવેશનલ સ્પીકર દ્વારા સ્પીચ આપવામાં આવશે. રાત્રીના સમયે લોકડાયરો અને સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવનભૂમિમાં રબારી સમાજોની ગુરુગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરુગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.
આ મંદિર માટે અગાઉ રથયાત્રા પણ અલગ-અલગ જગ્યાએ ફરી હતી, જ્યાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તમામ લોકોએ રથને આવકારી સ્વાગત કર્યું હતું. રથયાત્રાને લઈને અનેક લોકોએ સારું એવું દાન પણ કર્યું છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15 હજાર યજમાન બેસવાના છે. અત્યારથી હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીંપણથી તૈયાર કરવામાં આવ્યા છે.
આ અંગે મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર એટલે મહાદેવનું સ્વરૂપ. મૂર્તિ સ્વરૂપે અહીં વાળીનાથ ભગવાન બિરાજમાન છે. તેનો ઈતિહાસ છે કે લગભગ 900 વર્ષ પૂર્વે જમીનમાંથી વાળીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, મા ચામુડાંની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. ત્યારે અધ્યક્ષ સ્થાપક આપણા પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજ દ્વારા આ વાળીનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજ સુધી વાળીનાથ મંદિરનો ઈતિહાસ એવો રહ્યો છે કે, જ્યારે પૂજ્ય બાપુ ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક ઘોડી અને એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું. જેનો વંશવેલો હજુ પણ મંદિરમાં ચાલી રહ્યો છે. હાલ વાળીનાથ ધામમાં કાંકરેજ નસલની 900 ઉત્તમ ગાયો પણ રાખવામાં છે. તેમજ રેમે નસલની પણ 12 જેટલી ઘોડીઓ અહીં છે.
મંદિરના જીર્ણોદ્ધારના વિચાર અંગે કહ્યું કે, પૂજ્ય ગુરુદેવને આજથી પંદરેક વર્ષ પૂર્વે વિચાર આવ્યો હતો કે, આપણે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર બનાવીએ જેથી લોકોની આસ્થા પણ જળવાઈ રહે. એ સમયે બાપુનું એક સ્વપ્ન આવ્યું કે, આપણે એક ખૂબ સરસ શિવધામ બનાવીએ. શિવલિંગ સ્વરૂપે આપણે વાળીનાથ ભગવાનનું સ્થાપન કરીએ. એમના વિચારને સેવકોએ સમક્ષ રજૂ કર્યો અને સેવકોએ હા પાડીને કહ્યું હતું કે, બાપુનો વિચાર ખૂબ સારો છે, આપણે મંદિર બનાવીએ. પૂજ્ય બાપુનો આ સાથે એક વિચાર એ હતો કે, ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે, તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે. આ મંદિર લગભગ 45,000 ચોરસ ફૂટમાં બનેલું છે. વર્તમાનમાં ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો સોમનાથ પછી આ બીજા નંબરનું મોટું મંદિર છે.