સુરતના હજીરા વિસ્તારની કંપનીઓમાં સ્થાનિક યુવકોને નોકરી ન અપાતાં હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળી દ્વારા આજે ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રભાવક આ પ્રદર્શનમાં સ્થાનિક યુવકોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અન્યાય મુદ્દે વર્ષોથી લડત ચલાવતા શિક્ષિત સ્થાનિકોએ હવે આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવા સાથે આંદોલન કરવાની ચિમકી પણ આપી છે. કંપનીઓ દ્વારા ફેલાવાતાં પ્રદૂષણ બાબતે પણ સ્થાનિકોએ રોષ આ સાથે વ્યક્ત કર્યો છે.
હજીરા પોર્ટ સંલગ્ન વિસ્તારોમાં દેશના મહાકાય ઉદ્યોગો ફેલાયેલા છે. કંપનીઓ કાર્યરત થતાં સમયે અને ત્યારબાદ સામાજિક જવાબદારીનો હવાલો લેતાં હજીરા વિસ્તારના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા રહેવાસીઓને રોજીરોટી આપવાનું વચન કરે છે પરંતુ એ વર્ષોથી ફક્ત વાતો જ પૂરવાર થઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને કંપનીઓ અન્યાય કરી રહી હોવાના આક્ષેપો થતા રહે છે.
આ જટીલ મુદ્દે ફરી એકવખત વિરોધનો સૂર આજે ઊભા થયો છે. હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીના નેજાં હેઠળ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવકોનો અહીં આક્ષેપ છે કે, હજીરાની કંપનીઓ દ્વારા સ્થાનિક યુવકોને રોજગારી નથી અપાઈ રહી. યુવકો શિક્ષિત અને લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને કાયમી ધોરણે નોકરી નથી અપાતી. ફક્ત કહેવા પૂરતાં કોન્ટ્રાક્ટ ઉપર જ રાખવામાં આવે છે.
બીજીતરફ આ કંપનીઓ પર પ્રદૂષણ ફેલાવતા હોવાનો આક્ષેપ પણ હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીએ કર્યો છે. આડેધડ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની માઠી અસરો જોવા મળી રહી છે.
હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીના સભ્ય દીપક પટેલના જણાવ્યા મુજબ, હજીરા ફરતે 10 કિલોમીટર સુધી વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું કપરુ થઈ ગયું છે. કંપનીઓ એ હદે પ્રદૂષણ ફેલાવી રહી છે કે અહીં વસવાટ કરતાં લોકો કેન્સર જેવી બીમારીઓના ભોગ બની રહ્યા છે. હજીરાની કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપવાની વાતો તો કરે છે, પરંતુ સ્થાનિક યુવકો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતાં હોવા છતાં કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, જો હજીરાની કંપનીઓ સ્થાનિક યુવાનોને યોગ્ય ન્યાય નહીં આપે તેમજ પ્રદૂષણ મુદ્દે ધ્યાન નહીં આપશે તો, હજીરા કાંઠા વિસ્તારના લોકો આગામી દિવસોમાં આંદોલન કરવા તૈયાર છે. પ્રદૂષણના મુદ્દે હાઇકોર્ટમાં જવા પણ સ્થાનિકો તૈયાર છે.