76 વર્ષીય ભારતીય મૂળના હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે અમેરિકાના અલાબામામાં એક રૂમના ભાડા અંગેના વિવાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિલિયમ જેરેમી મૂર નામના 34 વર્ષના યુવકની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે મૂર મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો. આ દરમિયાન પ્રવીણ રાવજીભાઈ પટેલ અને મૂર વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે મૂરે પિસ્તોલ કાઢી અને વૃદ્ધાને ગોળી મારી દીધી. તમને જણાવી દઈએ કે, રસ્તાના કિનારે પ્રવાસીઓના ટૂંકા આરામ અને રોકાણ માટે પ્રમાણમાં નાની હોટલને મોટેલ કહેવામાં આવે છે. મૂરે 8 ફેબ્રુઆરીએ હોટલનો એક રૂમ ભાડે આપવા માગતો હતો. પટેલ સાથે ભાડા બાબતે ઝઘડો થયો હતો.
અમેરિકન ભારતીય મૂળના વૃદ્ધની ગોળી મારી હત્યા
પોલીસે જણાવ્યું કે હત્યામાં વપરાયેલી પિસ્તોલ પણ આરોપી પાસેથી મળી આવી છે. વોરંટ જારી ન થાય ત્યાં સુધી મૂરને હાલમાં શેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવ્યો છે. આ પછી તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ 12 ફેબ્રુઆરીના રોજ પ્રવીણ રાવજીભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી
આ મામલે એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) એ ગુરુવારે કહ્યું કે હોટલ માલિકની હત્યાથી દેશને ઘણું દુઃખ થયું છે. તાજેતરમાં, કેરળના એક ભારતીય-અમેરિકન દંપતી અને તેમના ચાર વર્ષના જોડિયા બાળકો સોમવારે કેલિફોર્નિયા રાજ્યના સાન માટોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટના અંગે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશને દુખ વ્યક્ત કર્યુ છે. એએએચઓએના ચેરમેન ભરત પટેલે જણાવ્યું છે કે અમારા સમુદાયમાં આવા સંવેદનહીન હિંસક કૃત્યોને કોઇ સ્થાન નથી.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકન પોલીસ આ ઘટનાની તપાસ કરીને પટેલના પરિવારજનોને ન્યાય અપાવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં કેટલાક ભારતીયોની હત્યા કરવામાં આવી છે.