રેસિડેન્સિયલ અને કોમર્શિયલ હેતુના અનધિકૃત બાંધકામોને નિયમીત કરવા ઘડાયેલા નિયમો બાદ હવે રાજયમાં અનધિકૃત ઔદ્યોગિક એકમોને નિયમીત કરવા માટેના નિયમો રાજ્ય સરકાર ઘડી રહી છે.
રાજયમાં ઔદ્યોગિક એકમોને અનિયમિતતાઓ દૂર કરી તેમને પણ નિયમિત કરવાની માંગણીઓ મોટી સંખ્યામાં સરકારને મળી રહી છે. શહેરોમાં આ સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ પ્રક્રિયા હાથ ધરવાનું મન મનાવી લીધું છે. આ એકમોને અમુક પ્રકારની મંજૂરી મળી ના હોવાથી તે નથી વેચી શકતા અને ફાજલ પડી રહેતા હોવાથી આ નિર્ણય મહત્વનો છે. જાણકારોનું માનીએ તો, આવી અનિયમીતતા ધરાવતા રાજયમાં લગભગ 30 હજારથી વધુ એકમો છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ઔદ્યોગિક એકમોમાં જે અનિયમીતતાઓ છે તેમાંથી મોટા ભાગની ઝોન સંબંધિત છે.
વર્તમાન રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બાંધકામોમાં એક નવી શ્રેણી ઉમેરવી કે પછી અનધિકૃત ઔદ્યોગિક એકમોને નિયમીત કરવા એક અલગ નિયમ બનાવવો તે નક્કી કરવા માટે કાનુની અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોનું માનવામાં આવે તો, ઔદ્યોગિક એકમોના બાંધકામમાં અનિયમીતતા બાબતે કોઇ જોગવાઇ નથી. રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બાંધકામોની જેમ ઔદ્યોગિક બાંધકામોને પણ નિયમિત કરવા સંખ્યાબંધ રજૂઆતો સરકારને મળી છે. આ માંગણીઓ પર અભ્યાસ કર્યા બાદ તેને સ્વીકારવામાં આવી છે. ટુંક સમયમાં સરકાર તરફથી આ જાહેરાત થવી સંભવ છે.