ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું કે, ગુજરાતી ભાષામાં આ અભ્યાસક્રમ શરુ થતાં રાજ્યના વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થશે.
કુલપતિ ડો. શેઠના જણાવ્યા અનુસાર , દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોએ માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કર્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરનાર એ આઠમી યુનિવર્સિટી બનશે.ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો આ અભ્યાસક્રમ મહેસાણાની ગુજરાત પાવર ઇજનેરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં શરુ કરશે.
આ ઈન્સ્ટિટ્યુટમાં સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ સહિતની ચાર જેટલી બ્રાંચોમાં 30-30 બેઠકોમાં માતૃભાષાનાં ડીગ્રી ઇજનેરીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
કુલપતિ ડો. નવીનભાઇ શેઠે વધુમાં જણાવ્યા મુજબ, માતૃભાષામાં અભ્યાસક્રમ શરુ કરવા એઆઈસીટીઇ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને મંજુરી પણ આપી દેવામાં આવી છે. ડીગ્રી ઇજનેરીના માતૃભાષાના આ અભ્યાસરક્રમમાં નવા શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.