સુરતના અત્યંત ચકચારી એવા ગ્રીષ્મા વેકરિયા કેસમાં આખરે આરોપી ફેનિલને આજે અદાલતે 69 દિવસની ટ્રાયલ બાદ દોષિત જાહેર કર્યો છે. હવે કોર્ટ સજાનું એલાન કરશે. અદાલતે આ સાથે જે સંવેદનશીલ નોંધ રજૂ કરી છે, એ ફિલ્મી એવી આભાસી પ્રેમની દુનિયામાં રાચતાં દરેક યુવક યુવતીઓ માટે અત્યંત ગંભીરતાપૂર્વક સમજવી રહી. પ્રેમ જેવું કંઈ જ આ કેસમાં નહીં હતું. યુવતીને તો એ મંજૂર નહીં જ હતો પરંતુ યુવકને પણ પ્રેમ હોય એવું ક્યાંય દેખાયું નહીં અને એક જીવન વિખાઈ ગયું એ કેવી સમજ… ? આરોપી જાહેર થયા સુધી ફેનિલના ચહેરા પર ગ્લાનીનો ભાવ કોઈ જોઈ ન શક્યું એ લાગણી કેવી રીતે હોઈ શકે એ આજે સમાજમાં ચેતવણીરૂપ ચર્ચા હતી. કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડની સજા કેમ ન આપવી?
કામરેજ તાલુકાના પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું રહેંસી હત્યા કરી હતી. રીઢા ગુનેગારની હાથની નસ કાપી નાખી, ઝેર પીવાનું નાટક કરી આત્મહત્યાનું નાટક કર્યું હતું. ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે ધરપકડ કરી હતી. અદાલતે ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ સજા સંભળાવશે.
કોર્ટનું કહેવું હતું કે, નિઃસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. જો તમે હથિયારથી યુવતીનો વધ કરો છો તો કોર્ટ કલમથી તમારો વધ શા માટે ન કરે? કોર્ટે વધુમાં કહ્યું કે, સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમારે જે વાત મૂકવી હોય એ મુકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો, પરંતુ ફેનિલના મોંમાંથી એકપણ શબ્દ ન નીકળ્યો. કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલ જવાબ જ ન આપી શક્યો.
કોર્ટે આ કેસમાં એવી પણ નોંધ લીધી કે, હચમચાવી નાખે તેવો આ વીડિયો 35 વખત કોર્ટમાં જોવામાં આવ્યો. ન્યાય માટે આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય તેવું ક્યાંય જણાયું નહીં. કોર્ટ માટે પણ આ વીડિયો જોવો મુશ્કેલ હતો. હચમચાવી નાખે તેવો હતો પરંતુ ન્યાય માટે વારંવાર જોયો.વીડિયોમાં આરોપીની માનસિકતા અત્યંત ક્રૂર દેખાતી હતી.
કોર્ટે ફેનિલને દોષિત જાહેર કરતાં જણાવ્યું હતું કે, તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા આ કેસમાં સાચા પુરવાર થયાં છે. વ્યક્તિ ખોટું બોલી શકે છે પરંતુ પુરાવા ક્યારેય ખોટું નથી બોલતાં.ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની દલીલ તો વીડિયોમાં સહેજે જણાતી નથી. કુદરત પણ ન્યાય ઈચ્છતું હોય એ રીતે આ વીડિયો અનાયાસે ઉતારાયો છે. વીડિયો ઉતારનારને ન તો ફેનિલ સાથે કોઈ લેવાદેવા હતી ન તો વ્યક્તિગત રીતે ગ્રીષ્મા સાથે. ઉલ્લેખનીય છે કે, વિડીયો આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થયો છે.
ફેનિલ અને ગ્રીષ્માના મોબાઈલના તમામ ડેટા 3 દિવસ એક્સપર્ટની મદદ લઈને ચેક થયા છે. ડિલિટ ચેટ રિસ્ટોર કરી ચેક થઈ છે. જેનાથી એ સ્પષ્ટ થતું હતું કે, ફેનિલ મળવા માટે જીદ્દે ચડ્યો હતો પરંતુ ગ્રીષ્મા કેમેય કરીને તેને મળવા માંગતી ન હતી. આ કેવી રીતે પ્રેમ હોઈ શકે જે ઝનુને ભરાઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, હત્યા ઉશ્કેરાટમાં નથી થઈ, આરોપીએ આગોતરું આયોજન કર્યું હતું અને તેમાં એણે ચપ્પુ ઓનલાઇન મંગાવ્યા હતા.આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. ફેનિલ હાલ લાજપોર જેલમાં છે અને હવે તેણે સજાના એલાનની રાહ જોવાની રહે છે.