દિલ્હી પોલીસે હોટલમાં 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા આંધ્રપ્રદેશની હોવાનું કહેવાય છે, જે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરોસિટી પાસે આવેલી લક્ઝરી હોટલ ‘પુલમેન’માં 15 દિવસ રોકાઈ હતી.
અહેવાલો અનુસાર, ‘પુલમેન’ હોટલના સ્ટાફે દિલ્હી પોલીસને જણાવ્યું કે આંધ્રપ્રદેશની એક મહિલા છેલ્લા 15 દિવસથી હોટલમાં રોકાઈ હતી. તેણે એક નકલી આઈડી બતાવ્યું જેમાં તેનું નામ ઈશા દવે હતું. આ દરમિયાન તેણે હોટલની સ્પાની સુવિધાનો પણ લાભ લીધો, જેના માટે તેણે 2.11 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ કહ્યું કે તેણે સ્પા સર્વિસ અને હોટલ સ્ટે સહિત અંદાજે 6 લાખ રૂપિયાના બિલની ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.
પોતાને ડૉક્ટર કહેતી
મહિલાના ચેકઆઉટ પછી, હોટલના સ્ટાફને જ્યારે મહિલાનું ઓનલાઈન પેમેન્ટ મળ્યું ન હતું ત્યારે છેતરપિંડી વિશે જાણ થઈ. આ પછી, હોટેલે પીસીઆર કોલ પર ફરિયાદ નોંધાવી અને તેના આધારે, પોલીસે 13 જાન્યુઆરીએ મહિલાની ધરપકડ કરી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ પોતાનું નામ ઝાંસી રાની સેમ્યુઅલ હોવાનું જણાવ્યું હતું. મહિલાના જણાવ્યા અનુસાર તે તેના પતિ સાથે ન્યૂયોર્કમાં રહેતી હતી અને બંને વ્યવસાયે ડોક્ટર છે. જો કે, મહિલાએ તેના પરિવારના સભ્યો, ઘરનું સરનામું અને એરપોર્ટ નજીકની હોટલમાં આટલા દિવસો સુધી રોકાવાના કારણ વિશે કહેવાનો ઇનકાર કર્યો છે.
ખાતામાં માત્ર 41 રૂપિયા
જ્યારે મહિલાને તેના ખાતાની વિગતો વિશે પૂછવામાં આવ્યું તો તેણે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો. આ પછી જ્યારે પોલીસે તેનું એકાઉન્ટ ચેક કર્યું તો તેમાં માત્ર 41 રૂપિયા જ હતા. પોલીસે કહ્યું કે તેણે હોટલ સ્ટાફને એમ કહીને મૂર્ખ બનાવ્યો હતો કે તે ICICI બેંક UPI એપ દ્વારા બિલ ચૂકવી શકે છે. તે જે એપ દ્વારા પેમેન્ટ કરી રહી હતી તે શંકાસ્પદ છે.
પોલીસનું કહેવું છે કે મહિલા તપાસમાં સહકાર આપી રહી નથી. તેથી, તેની ઓળખ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસે આંધ્ર પ્રદેશ પોલીસને પત્ર લખીને માહિતી માંગી છે કે શું તેઓ આરોપી મહિલાના સરનામા અને પરિવાર વિશે માહિતી આપી શકે છે.
અનેક આરોપોમાં ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં છેતરપિંડીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આરોપી પાસેથી નકલી ઓળખ કાર્ડ પણ મળી આવ્યા હતા, ત્યારબાદ નકલી દસ્તાવેજોનો ઉપયોગ, બનાવટી જેવા અન્ય આરોપો પણ FIRમાં ઉમેરવામાં આવ્યા હતા.