ગુજરાતમાં પોલીસતંત્રમાં ખાલી જગ્યા તથા પોલીસ કમિશનની રચના મુદે હાઈકોર્ટે સરકારને છેલ્લી તક આપીને માર્ચ મહિના સુધીમાં સંપૂર્ણ વિગતો રજુ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે ચાર વર્ષ વીતી ગયા હોવા છતાંય સરકાર પાસે કોઇ જવાબ રજૂ કરવાની તૈયારી નથી ત્યારે આ એક વધુ તક આપવામાં આવી છે.
દેશની સર્વોચ્ચ અદાલતના હુકમ બાદ હાઈકોર્ટે લીધેલી સુઓમોટો રિટ પીટીશનમાં સરકારને જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે કે, ‘રાજયમાં ખાલી પોલીસના પદ કેટલા છે અને રાજયમાં પોલીસ કમિશનના ગઠન મુદે સરકારે અત્યાર સુધી શું કામગીરી કરી છે’ હાઈકોર્ટે આ મામલે ચાર વર્ષ વીતી ગયા બાદ હવે સરકારને એક વધુ તક આપતાં માર્ચ મહિના સુધીમાં તમામ વિગતો રજુ કરવાનો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં દેશની સર્વોચ્ચ અદાલતના હુકમ બાદ પોલીસ મહેકમ મુદે સુઓમોટો રિટ દાખલ થઈ હતી. રિટમાં મુખ્ય ત્રણ મુદ્દા હતા. એક મુદ્દો હતો કે પોલીસ વિભાગમાં જેટલી પોસ્ટ ખાલી હોય તેમને વધતી વસ્તીને અનુલક્ષીને ભરવામાં આવે. જેમાં રાજય સરકારે એક સોગંદનામું કરી જણાવ્યું હતું કે રાજયમાં 2017ની સ્થિતિએ 28 હજાર પોસ્ટ પોલીસ વિભાગમાં ઉપલબ્ધ છે. બીજું કે પોલીસ કમિશનની રચના કરવાનો આદેશ કરાયો હતો. જો આ પ્રકારના કમિશન (પંચ)નું ગઠન કરાય તો ખુદ પોલીસ કર્મચારીને કોઈ ફરિયાદ વિભાગથી હોય તો એ પોતાની તકરાર જે કમિશન સમક્ષ કરી શકે અને તેનું નિરાકરણ થઈ શકે. ત્રીજો આદેશ જન આંદોલનો અંગે ગાઈડલાઈન અંગે હતો.’
હાઈકોર્ટની ખંડપીઠે ટકોર કરી હતી કે, ‘અમે પણ પોલીસ કમિશન જેવું કોઈ એકમ ગુજરાત રાજયમાં છે કે કેમ તે અંગે અગાઉના કેસોમાં પુછ્યું છે. અન્ય રાજયોમાં પોલીસને હાલાકી હોય તો એ તકરારોના નિવારણ માટે આ પ્રકારના ફોરમ છે.’ ત્યારબાદ સરકારે રજૂઆત કરી હતી કે, ‘રાજય સરકાર સમક્ષ 2022ની સ્થિતિએ કેટલી પોસ્ટ ખાલી છે તે અંગેના ડેટા છે અને તેઓ સોગંદનામા ઉપર એ તમામ વિગતો રજૂ કરશે.’
હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ‘સુપ્રીમકોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટે આ સુઓમોટો રિટ દાખલ કરી રાજય સરકારને નોટીસ પાઠવી હતી અને તેમણે સુપ્રીમકોર્ટ સમક્ષ સોગંદનામું કર્યું હતું. જેમાં રાજયમાં 28580 પોલીસની પોસ્ટ ખાલી હોવાનું જણાવ્યું હતું. જો કે હાલ કેટલી પોસ્ટ ખાલી છે તે રેકર્ડ પર નથી. તે ઉપરાંત પોલીસ કમિશનની રચના કરવાનો પણ આદેશ હતો. 2019માં સુઓમોટો કરાઈ હતી જેને ચાર વર્ષ વીતી ગયા છે ત્યારે સરકારને છેલ્લી તક આપવામાં આવી રહી છે. સરકારે શું કાર્યવાહી કરી છે અને કેવા પગલાં લીધા છે એ જણાવવા આ કેસની વધુ સુનાવણી માર્ચ મહિનામાં હાથ ધરાશે’