બે વર્ષના કોરોનાના કપરા કાળ બાદ ઝવેરી બજાર ફરી ઝગમગવા લાગ્યું હોય તેમ સોનાની ડિમાન્ડમાં સતત ભારે વધારો થઈ રહ્યો છે. કોરોના વખતે લગ્ન પાછા ઠેલાવાયા હોવાના કારણોસર હવે ડિમાન્ડમાં બમણો વધારો થયો છે. મે મહિનામાં સોનાની ડિમાન્ડ 5.11 ટન પર પહોંચી ગઇ હતી જેના આધારે ઇન્વેસ્ટરો પણ રોકાણ કરવા દાખલ થઈ રહ્યા છે.
સોનાની ખરીદી માટે શૂકનવંતી ગણાતી અખાત્રીજ જેવા તહેવાર ઉપરાંત લગ્નગાળાનો બમણો ફાયદો થયો હોય તેમ સોનાની ડિમાન્ડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉંચા ભાવને કારણે માર્ચ અને એપ્રિલમાં સોનાની ડિમાન્ડમા ઘટાડો થયા બાદ મે મહિનામાં મોટી વૃધ્ધિ થઇ હોય તેમ 5.11 ટન સોનાની ડિમાન્ડ રહ્યાનો આંકડાકીય રિપોર્ટ જાહેર થયો છે. માર્ચ-એપ્રિલની સરખામણીએ તે 5 ગણી વૃધ્ધિ સૂચવે છે. યુદ્ધ, મોંઘવારી જેવા અનેકવિધ વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટરો પણ સોનુ ખરીદી કરતા હોવાના સંકેતો છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિનાના અખાત્રીજના તહેવારે એક જ દિવસે ગુજરાતમાં 300 કિલો સોનાનુ વેચાણ થયું હતું. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએસનના ડાયરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે અખાત્રીજે સોનાનુ વેચાણ થયું તેમાંથી 60 ટકા તો લગડી અને સિક્કાનું હતું એટલે કે લોકો જ્વેલરીને બદલે રોકાણના હેતુસર સિક્કા અને લગડીની ખરીદી કરે છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ પણ સ્થિર થઇ ગયા હોવાના કારણે ઇન્વેસ્ટરો પણ રસ લેવા લાગ્યા છે અને જનમાનસ પોઝીટીવ બન્યું છે. શેરબજાર કેટલાક વખતથી વોલાટાઈલ બન્યું હોવાના કારણે ઇન્વેસ્ટરો સોના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
સોનાની લગડી અને સિક્કામાં ડિમાન્ડ વધુ હોવા છતાં લાઇટવેઇટ દાગીનાની ખરીદીમાં પણ આકર્ષણ રહ્યું છે. રોજબરોજ પહેરી શકાય તેવી આ પ્રકારની જ્વેલરીની ખરીદી વધુ થઇ રહી છે. જ્વેલર્સના કહેવા પ્રમાણે કોરોના કાળના બે વર્ષ દરમિયાન સેંકડો લગ્નો મોકૂફ રાખી દેવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ કોરોના કેસમાં વધારો થતો લોકોએ ભયભીત થઇને લગ્ન એપ્રિલ-મેમાં રાખી દીધા હતા.
એટલે છેલ્લા મહિનાઓમાં સોનાના વેચાણમાં મોટો વધારો શક્ય થયો હતો. ચાલુ વર્ષે પણ ઓક્ટોબર-નવેમ્બરમાં લગ્નગાળો આવશે તે પૂર્વે દશેરા, દિવાળીના તહેવારો આવશે એટલે નવી સિઝન પણ સારી રહેવાનો અંદાજ છે. સાથોસાથ યુધ્ધ, મોંઘવારી, આર્થિક મંદીનો ભય,ઉંચા વ્યાજ દર જેવા કારણો પણ સર્જાયા હોવાથી ઇન્વેસ્ટરોની ખરીદી પણ વધવાનું અનુમાન છે.