દીકરાને કેનેડા મળવા નીકળેલી અમદાવાદની 61 વર્ષીય મહિલા પેસેન્જરના હેન્ડબેગમાંથી 10 તોલા સોનાના દાગીના ચોરાઈ ગયા છે. મહિલાએ કેનેડા પહોંચવા અગાઉ મુંબઈ એરપોર્ટ પર બેગ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, તેમાંથી 10 તોલાના દાગીના પગ કરી ગયા છે. જોકે, આ ચોરી અમદાવાદ એરપોર્ટ પર થઈ કે મુંબઈ એરપોર્ટ પર એ પણ નક્કી નથી કરી શકાયું
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, અમદાવાદના મણિનગરમાં રહેતા એક મહિલાનો દીકરો કેનેડામાં સ્થાયી છે. દીકરાને ત્યાં દીકરીનો જન્મ થતાં આ 61 વર્ષીય વૃદ્ધ મહિલા કેનેડા જવા નીકળી હતી. તેઓએ પૌત્રીને આપવા 10 તોલા સોનું, ચાંદીની ભગવાન ગણેશની મૂર્તિ ઉપરાંત કેટલાક ચાંદીના વાસણો લીધા હતા. તેઓ અમદાવાદથી મુંબઈ થઈને કેનેડા જવા નીકળ્યા હતા. તેમણે અમદાવાદ ડોમેસ્ટિક ફ્લાઈટથી મુંબઈ અને મુંબઈથી બ્રિટિશ એરવેઝમાં કેનેડાની ટિકિટ બુક કરાવી હતી. નિયમાનુસાર, બંને એરપોર્ટ પર તેમનો સામાન ચેક થયો હતો.
મહિલા પાસે બે ચેક ઈન લગેજ તથા એક હેન્ડ લગેજ અને પર્સ હતું. અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફે મહિલાને કહ્યું કે, તમારે હેન્ડ બેગને પણ ચેક ઈન લગેજમાં મુકવી પડશે. તેમણે ચેક ઈન સમયે તપાસ થયા બાદ હેન્ડબેગ પરત માગી હતી. અહીં હાજર સ્ટાફે હેન્ડબેગને ચેક ઈન લગેજમાં જ રાખીને તમારી સાથે ન લઈ જાઓ એવું જણાવતા તેઓ લગેજ સાથે જ હેન્ડબેગ મૂકી ત્યાંથી મુંબઈ જવા નીકળી ગયા હતા.
મહિલાએ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ કેનેડાની ફ્લાઈટ પકડતા પહેલા હેન્ડબેક ચેક કરી તો તેમનો જીવ અદ્ધર થઈ ગયો હતો. તેમની હેન્ડબેગમાંથી 10 તોલા સોનું, ચાંદીના વાસણો અને ગણપતિની ચાંદીની મૂર્તિ ગાયબ હતી. મહિલાએ મુંબઈ એરપોર્ટ પર ફરિયાદ કરી હતી.બનાવ અંગે તપાસ ચાલી રહી છે જોકે, આ ચોરી અમદાવાદ એરપોર્ટ પર થઈ કે મુંબઈ એ પણ હજી સુધી નક્કી કરી શકાયું નથી.