કેન્દ્રીય પોલીસ દળના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. CRPFએ પોતાના જવાનોને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરવા જણાવ્યું છે. આ સિવાય ફોટો અપલોડ કરવામાં પણ ધ્યાન રાખો, કારણ કે આ રીતે તેઓ હનીટ્રેપનો શિકાર બની શકે છે. જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા જવાનો તેમના યુનિફોર્મમાં વીડિયો અને ફોટા અપલોડ કરે છે. આ સિવાય ઘણા લોકો ચેટ મેસેજ પણ મોકલે છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ વિવિધ અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોને પત્રો જારી કર્યા છે. આને ગંભીરતાથી લેતા CRPFએ પોતાના જવાનોને સૂચનાઓ જારી કરી છે અને કહ્યું છે કે તેઓ યુનિફોર્મમાં પોતાનો વીડિયો, ફોટો અપલોડ ન કરે અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરે.
એક સત્તાવાર નોંધમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાને લઈને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે કે યુનિફોર્મમાં ફોટા અને વીડિયો અપલોડ ન કરો અને યોગ્ય વેરિફિકેશન વિના કોઈને પણ તમારી ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ ન કરો. જો આ સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એ જ રીતે, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ પણ એક પત્ર જારી કરીને કહ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિઓ અથવા ટ્રાયલ હેઠળના વ્યક્તિઓ સંબંધિત ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી જોઈએ નહીં. આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જવાનોએ અત્યંત સંરક્ષિત વિસ્તારોમાં વીડિયો ન બનાવવો જોઈએ અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ફરજ પર હોય ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો જોઈએ અને સોશિયલ મીડિયા પર કોઈ સંવેદનશીલ માહિતી શેર કરવી જોઈએ નહીં. આ સિવાય અન્ય અર્ધલશ્કરી દળોએ પણ સોશિયલ મીડિયા માર્ગદર્શિકા જારી કરી છે અને સરહદ પર તૈનાત સૈનિકોને રીલ ન બનાવવા જણાવ્યું છે. આ અગાઉ ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોલીસને માર્ગદર્શિકા જાહેર કરી ચૂકી છે.