ગુજરાત પોલીસે સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલથી તા.15 સુધી હેલ્મેટ-સીટબેલ્ટની સઘન ચેકિંગ ડ્રાઈવ કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ વાહનચાલકો પોતાના વાહન પર હેલ્મેટ પહેર્યા વગર કે સીટબેલ્ટ બાંધ્યા વગર નીકળશે તો દંડ ફટકારવામાં આવશે.
ડીજી પીયૂષ પટેલે રાજ્યના ચાર મહાનગરોના પોલીસ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની કમિટી ઑન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં રાજ્યમાં રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવા તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં વધારો થયો હોવાનું તારણ રજૂ થયું છે.
વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા તા. 6 માર્ચથી તા.15 સુધી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રાખવા તેમજ આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ ભંગ તેમજ સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવા પોલીસ તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેના પરિપત્રમાં જણાવ્યા અનુસાર શહેર-જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી ટ્રાફિક પોલીસની કામગીરીની સમીક્ષા કરવાની હોવાથી દરરોજ કરેલી કામગીરીનો અહેવાલ બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં મોકલી દેવાનો રહેશે.