રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા માર્ચ-૨૦૨૨ થી ઓક્ટો-૨૦૨૨ દરમિયાન નેહરૂ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનિયરીંગ ઉત્તરકાશી ખાતે નિ:શુલ્ક બેઝીક અને એડવાન્સ પર્વતારોહણ તાલીમ કોર્સ યોજાશે. આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક રાજ્યના ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓએ તા.૦૫મી ફેબ્રુ. સુધીમાં સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. આ કરવાની રહેશે. જેમાં પોતાનું પુરૂ નામ, સરનામું, ફોન નં., જન્મતારીખ, ઇ-મેલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત (સ્નાતકની પદવી ફરજિયાત) વગેરે દર્શાવવાનું રહેશે. તદઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, જન્મ અને રહેઠાણનો પૂરાવો, કોવિડ રસીના બન્ને ડોઝ લીધા હોય તેવું પ્રમાણપત્ર, ખડક ચઢાણનો કોચિંગ કોર્સ સફળતાપુર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર વગેરે અરજી સાથે જોડવાનાં રહેશે. ઉપરાંત માઉન્ટ આબુ/જુનાગઢ ખાતે માનદ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપુર્ણ વિગતો સાથેની અરજી તા.૦૫ ફેબ્રુ. સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ ને હાર્ડકોપીમાં મોકલી આપવાની રહેશે, તથા શારીરિક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા તથા શારીરિક કસોટીના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી નેહરૂ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગ ઉત્તરકાશી સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જાણ કરાશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રી-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.