ભારતમાં કોરોનાની ચોથી લહેરે લગભગ દસ્તક આપી દીધી છે. નવા કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી પછી પહેલીવાર 10 હજારનો આંકડો પાર થયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,213 નવા કેસ નોંધાયા છે. આ સાથે, 58,215 સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 0.13 ટકા છે. રિકવરી રેટ રાહત છે. હાલમાં દેશમાં 98.65 ટકાના દરે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે, તેમાં પણ તાજેતરના સમયમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 7624 લોકોએ આ મહામારીને માત આપી છે. ગુજરાતમાં પણ આંકડાઓ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે.
એકલા મહારાષ્ટ્રમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 4,024 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન બેના મોત થયા છે. ગુરુવારે હેલ્થ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. આ નવા કેસ સાથે, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 79,19,412 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1,47,877 થઈ ગયો છે. આ દરમિયાન 3,028 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને આ સાથે અત્યાર સુધીમાં રોગચાળામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 77,52,304 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના રિકવરી રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 97.89 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.86 ટકા છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 8,14,28,228 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 79,19,412 પોઝિટિવ એટલે કે 9.73 ટકા નોંધાયા છે.
વાત કરીએ ગુજરાતની તો અહીં પણ આંકડાઓ વધી રહ્યા છે, જોકે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સ્થિતિ ઘણી સારી છે, છતાંય તંત્ર તરફથી સાવધાની વર્તવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત સહિત મહાનગરોમાં ભીડભાડવાળા સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. જિલ્લાવાર કેસોની વિગતો પ્રમાણે આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 91 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ, સુરત શહેરમાં 16 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર શહેરમાં 2 કેસ, ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો કચ્છ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જામનગર, રાજકોટમાં 3-3 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં 2-2 કેસ અને મહેસાણા, પંચમહાલમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 991 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે.