અમેરિકામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સંડોવણી હોવાનું જણાવી અમેરિકન મહિલા પાસેથી 80 હજાર ડોલર પડાવવાના ગુનામાં અમેરિકાની પોલીસે આણંદના ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલના પુત્ર પાર્થ પટેલ સહિત બે ભારતીયોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના ફ્લોરિડામાં રહેતી અને સ્થાનિક એવી 69 વર્ષની મહિલાને આઇપેડ પર મેસેજ મળ્યો હતો કે તેના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યો હોવાથી મેસેજમાં દર્શાવેલા નંબર પર ફોન કરો. મહિલાએ મેસેજ પરના નંબર પર ફોન કર્યો હતો. ફોન રિસિવ કરનાર વ્યક્તિએ એ મહિલાને પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં શંકાસ્પદ હોવાનું જણાવ્યું. હકીકતમાં, મહિલાએ ચીનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 30 હજાર ડોલરમાં ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જો પોલીસ કાર્યવાહીથી બચવા મહિલા પાસે 30 હજાર ડોલરની માગણી કરવામાં આવી હતી.
ભેજાબાજોએ બીજા દિવસે ફરી ફોન કરી વધુ 50 હજાર ડોલર કાગળની થેલીમાં મૂકવા જણાવ્યું હતું.મહિલાને હવે છેતરપિંડી થઈ રહી હોવાની શંકા જતાં તેણે અમેરિકાની પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રેપ ગોઠવી અને મહિલા પાસેથી કાગળની બેગમાં પૈસા મૂકાવ્યા હતા.
ભારતીય મૂળના જણાયેલા બે યુવકો પૈસા લેવા આવતા પોલીસે પકડી લીધા. આરોપીઓ પૈકી એક 33 વર્ષનો પાર્થ પટેલ અને બીજો 25 વર્ષનો જયરામી કુરુગુંટલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્થ પટેલ દસેક વર્ષ પહેલા અમેરિકા સ્થાયી થયો હતો. પાર્થ આણંદના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલનો પુત્ર છે. પોલીસ આ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી રહી છે.