ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ગુજરાત-પંજાબ સહિતના આઠ રાજયોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓની અભ્યાસની જગ્યાએ નોકરી કરવાનાં ઈરાદા સાથેની બનાવટી અરજીઓની સંખ્યામાં આવેલા ઉછાળાના પગલે આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી વાર્ષિક ધોરણે સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે માટે સજ્જ બન્યું છે બરાબર એ જ સમયે આ નિર્ણય લેવાયો છે. 2019માં ઓસ્ટ્રેલિયાએ ભારત 75,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.
ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ જેવા અખબારોના રિપોર્ટમાં એવા તથ્યો ઉજાગર થયા છે કે, વિકટોરિયા યુનિવર્સિટી એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ ટોરેન્સ યુનિવર્સિટી અને સધર્ન ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકયા છે. આ યુનિવર્સિટીઓ અને તેમના માટે કામ કરતાં એજન્ટોના ઈ-મેઈલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. તમને જણાવી દઇએ કે આ અગાઉ, પર્થની એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરીમાં ભારતના પંજાબ અને હરિયાણાના અરજદારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો હતો.
ત્યારબાદ માર્ચ મહિનામાં વિકટોરીયા યુનિવર્સિટીએ ઉત્તરપ્રદેશ રાજસ્થાન, અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજયોના વિદ્યાર્થીઓની અરજીઓ પર નિયંત્રણો વધાર્યા હતા. માર્ચમાં વોલોન્ગોંગ યુનિવર્સિટીએ પણ ભારત, નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન લેબનોન, મંગોલિયા નાઈજીરીયા અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટેના જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્સ ટેસ્ટની શરતોને વધુ આકરી બનાવી છે.
એડિલેડની ટોરેન્સ યુનિવર્સિટીના પ્રવકતાએ જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી સત્તાધિશો અહીં પણ હવે અરજીઓ જયાંથી આવે છે તે દરેક વિસ્તારને કાળજીપૂર્વક ચકાસી રહી છે. અગાઉ માર્ચમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તે ગુજરાત, હરિયાણા અને પંજાબની ખૂબ જ મજબૂત અરજીઓ હોય તેના પર જ વિચાર કરી રહી છે. વિદ્યાર્થીની સંખ્યામાં ઉછાળાથી ઓસ્ટ્રેલિયાની ઈમિગ્રેશન સિસ્ટમની વિશ્વસનીયતા અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર લાંબા ગાળાની અસર અંગે સાંસદો અને શિક્ષણ ક્ષેત્રની ચિંતાઓમાં વધારો થયા બાદ આ નિર્ણય લેવાઈ રહ્યા છે.