સુરત જિલ્લાના ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલ કુદીયાણા ગામે સરકારના સોલાર પ્રોજેક્ટનો વિરોધ થઇ રહ્યો છે. ૩૦૦ વીંઘા જમીનમાં આ પ્રોજેક્ટ સ્થપાવાનો છે. પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જે જગ્યા પસંદ થઈ છે એ જગ્યામાં પાણી ભરાતા ખેડુતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ અહીં વરસાદી પાણી ભરાય જાય છે ત્યારે પ્રોજેક્ટ માટે જો જમીનમાં પુરાણ કરવામાં આવશે તો ખેતીપાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે, આ જે જગ્યા છે એ સમગ્ર વિસ્તારના આશરે ૪૦ ગામોનું વરસાદી પાણી આ ખાડી અને જે જગ્યા ફાળવાઇ છે, એ જગ્યાએથી આ વરસાદી પાણી સીધું દરિયામાં જાય છે. દર વર્ષે અહીં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થાય છે. જે જગ્યાએ પ્રોજેકટ સ્થપાવાનો છે તે જગ્યાએ આ વિસ્તારનાં પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને ચરાઇનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારે પશુપાલન માટેની જગ્યા પણ છીનવાઇ જશે.
ખેડુતોના જણાવ્યા મુજબ, આ પ્રોજેકટ અમલમાં આવશે તો કાંઠા વિસ્તારના આશરે ૨૦ થી ૨૫ ગામડાઓની ખેતીપાક ડૂબાણ માં જવાની પણ દહેશત વર્તાય રહી છે. ૩ દિવસથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં ખેતરોમાં ૩ થી ૪ ફુટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં ઘોડા ખાડીની સાફસફાઇ કરવામાં નહિ આવતા ડ્રેનેજ વિભાગની લાલિયાવાડી સામે પણ ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યા છે. પ્રોજેક્ટ રદ કરવાની ખેડૂતો માંગ ઉચ્ચારી રહ્યા છે. આ ઉપરાંત કુદીયાણા ગામે ચેકડેમની ઉપર ફલડ ગેટ બનાવવાની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જો પ્રોજેકટ રદ કરવામાં નહિ આવશે તો ખેડૂતો વાહનરેલી કાઢી સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
કુદીયાણા ખાડી, કાછોલ ગામની સીમમાં આવેલ ખાડી તેમજ સોલાર માટે ફાળવાયેલ જગ્યાની સ્થળ મુલાકાત વેળાએ સુરત જિલ્લા પંચાયતના માજી સભ્ય તેમજ ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, ડી.એલ.પટેલ, અશ્વિન પટેલ, ધર્મેશ પટેલ, ઇશ્વર પટેલ(કાછોલ), વિવેક પટેલ(કુવાદ), બાલુભાઇ પટેલ (કાછોલ) સહિતના કુદીયાણા, કાછોલ, સેલુત, કુવાદ, કાસલા, અંભેટા સહિતાના કાંઠા વિસ્તારના ગામડાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.