14મી માર્ચથી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને ચિંતામુક્ત રહી પરીક્ષા આપી શકે તેની ખાસ તકેદારી રાખતાં નિર્ણયો લીધા છે. એ દરમિયાન શિક્ષણ બોર્ડે વધુ મહત્વનો નિર્ણય લેતાં હોલટિકીટ ભુલી જવાય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળી શકે એ માટે વ્યવસ્થા ગોઠવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીની હોલ ટિકીટની એક કોપી રહે એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ વર્ષે બોર્ડની પરીક્ષામાં તમામ શાળા સંચાલકોને હોલટિકીટ રાખવા ડીઈઓ મારફત આદેશ અપાયા છે. પરીક્ષા સમયે હોલટિકીટ ભુલાઈ જાય તો દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીની હોલ ટિકીટની એક કોપી રાખવા બોર્ડે આદેશ કર્યો છે. મહત્વના આ નિર્ણય બાદ જે વિદ્યાર્થીઓ હોલ ટિકીટ ભુલી ગયા હશે એવા વિદ્યાર્થીઓની કેન્દ્ર નિયામક દ્વારા શાળાના આચાર્યનો સંપર્ક કરીને હોલટિકીટ વોટસએપ પર મંગાવાશે.
પરીક્ષાર્થીઓને પ્રથમ દિવસે પરીક્ષાનાં સમય કરતા 30 મિનીટ ત્યારબાદ 20 મિનીટ પૂર્વે પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. 13 માર્ચે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે શાળામાં જઈ શકશે.