રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જયારે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોંચી જશે.
ગોંડલ અને ઉપલેટા વિસ્તારમાંથી ગેમઝોનમાં રમવા આવ્યા
108 એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર એક પછી મૃતદેહ લાવવામાં આવ્યા હતા. આગની લપેટમાં અનેક જીવ હોમાયા. મૃતદેહને કોથળા અને કપડામાં વીંટોળીને સારવાર માટે સિવિલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘણા લોકો ગોંડલ અને ઉપલેટા વિસ્તારમાંથી ગેમઝોનમાં રમવા આવ્યા હતા.
હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે મીડિયા સાથે વાત કરી
મોડીરાતે રાજકોટ પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોએ પોતાના ભૂલકાઓ, માતા પિતા અને સ્વજનોને ગુમાવવા પડયા ઘટનાની જાણકારી મળતાની સાથે સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું. ખૂબ જ ઝડપે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમ ઝોનની પરમિશન, ફાયર NOC બાબતે બેઠક રાખવામાં આવી છે. કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુમાં વધુમાં રીતે કડક કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
1000 થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું
જણાવી દઈએ કે, ગેમઝોનમાં ગો કાર રેસિંગ કાર માટે 1000 થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 1500 થી 2000 લિટર ડીઝલ જનરેટર માટે રાખવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ આ તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના આટલી વિકરાળ બનવામાં આ ઇંધણનો મોટો હાથ જણાવવામાં આવી રહ્યો છે.
10 જ મિનિટમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું
ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સીડીઓ ગોઠવીને કપડામાં વીંટોળીને મૃતહેદને બહાર કાઢ્યા. 10 જ મિનિટમાં આગના કારણે એટલુ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું કે, ગેમઝોનમાંથી લોકોને પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો સમય જ ન મળ્યો ને મોતને ભેંટ્યા. ગેમઝોનમાં લાગેલી આગથી આજે અનેક પરિવારના માળા વિખાયા હતા.