હવે ગણતરીના દિવસોમાં જ ધૂમ મચાવવા બજારમાં આવી રહી છે નવી ઇલેક્ટ્રિક કાર. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત અનેક કંપનીઓ આગામી એક વર્ષમાં સંખ્યાબંધ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં ટાટા હેરિયર ઇવી, પંચ ઇવી અને કર્વ ઇવી તેમજ હ્યુન્ડાઇ આઇઓનિક 6, અન્ય ઇવીમાં કિયા ઇવી9, મારુતિ સુઝુકી EVX , મહિન્દ્રા XUV.e8નો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક કારની વધતી માંગ અને પર્યાવરણીય સ્વચ્છતા પ્રત્યે વધતી જાગૃતિને કારણે લોકોની માનસિકતામાં બદલાવ આવી રહ્યો છે. એ જ કારણ છે કે, ઈવીનું વેચાણ ઝડપભેર વધી રહ્યું છે.
નજીકના જ ભવિષ્યમાં ટાટા મોટર્સ ભારતીય બજારમાં અનેક ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે, જે લુક-ફીચર્સ અને રેન્જ સ્પીડના સંદર્ભમાં અદ્ભુત હશે. આ પૈકી, લોકોમાં સૌથી વધુ રાહ જોવાતી કાર પંચ EV બની રહી છે. જાણકારોનું માનીએ તો, પંચ ઈલેક્ટ્રિકને 10 લાખ રૂપિયા સુધીની પ્રારંભિક કિંમતે લોન્ચ કરાય તેવી શક્યતા છે. આ પછી, Harrier EV અને Curve EV જેવી ઇલેક્ટ્રિક SUV પણ લોન્ચ કરવામાં આવશે. લોકો લાંબા સમયથી આ ઈલેક્ટ્રિક કાર માટે ખાસ્સા ઉત્સુક છે.
બીજીતરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની આગામી ઇલેક્ટ્રિક SUV XUV.e8નું જોરશોરથી પરીક્ષણ કરી રહી છે. ગણતરી છે કે, 2024ની શરૂઆતમાં એ લોન્ચ થશે. Mahindra XUV700 પર આધારિત, આ ઇલેક્ટ્રિક SUV દેખાવ અને સુવિધાઓ તેમજ પાવર અને બેટરી રેન્જની દ્રષ્ટિએ જબરદસ્ત હશે. મારુતિ સુઝુકી તેની ઈલેક્ટ્રિક SUV EVX પણ આવતા વર્ષ સુધીમાં રસ્તાઓ પર દોડતી થઈ શકે છે. આ વર્ષના ઓટો એક્સપોમાં તેનું મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જ્યારે Maruti Suzuki EVX દેખાવ અને ફીચર્સમાં સારી હશે, તો તેની રેન્જ અને સ્પીડ પણ સારી હશે.
એ જ પ્રમાણે Hyundai Motor India નજીકના જ ભવિષ્યમાં બીજી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV Ioniq 6 લોન્ચ કરી શકે છે. આ સાથે કોનાનું ફેસલિફ્ટેડ મોડલ પણ લોન્ચ કરવામાં આવશે. Kia Motors આવતા વર્ષ સુધીમાં ભારતીય બજારમાં તેની મોટી સાઇઝની ઇલેક્ટ્રિક SUV EV9 પણ રજૂ કરી શકે છે.