ગુજરાતમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કાયદાકીય અસરકારક કામગીરી થાય અને ગુનેગારોને કડક સજા સુનિશ્ચિત થાય એ હેતુથી રાજ્યના શહેર-જિલ્લાઓમાં 38 કાયદા અધિકારીઓની નિમણુંકનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. તેમની સામેની કાયદાકીય કાર્યવાહી દરમિયાન પોલીસ તપાસની કામગીરી દેખાય તેમજ અદાલતી કાર્યવાહીમાં દોષિત છટકી ન શકે એ માટે ગુજરાત પોલીસમાં 38 કાયદા અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ કર્યો છે.
read more: ભવનાથના મેળાને મળી મંજૂરી, ગાઈડલાઈન સાથે થશે મેળાનું આયોજન
ગૃહ વિભાગ સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ, કાયદા સલાહકારની નિમણુંક માટે ઓછામાં ઓછા 10 વર્ષના અનુભવી હોય તેવા વકીલની પસંદગી થઈ છે. ગૃહ વિભાગે નક્કી કરેલા ધારાધોરણ મુજબ, નિયુક્ત આ કાયદા સલાહકાર અધિકારીઓએ ક્રિમિનલ કેસોની અદાલતી કામગીરી દરમ્યાન સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના સરકારી વકીલ અને ગુજરાત પોલીસે નિયુક્ત કરેલા વકીલના સતત સંકલનમાં રહી પોતાનું કામ કરવાનું રહેશે.
કાયદા અધિકારીએ શાખા અધિકારીઓ સાથે કેસ અનુસંધાને લાયઝનીંગ, કેસને લગતા સોગંદનામાં ઉપરાંત જે તે સરકારી વકીલને બ્રિફ કરવાની જવાબદારી પણ બજાવવાની રહે છે. કોર્ટની મુદત અને તેની સુનાવણી અંગે પણ સંકલન કરી અસરકારક રજૂઆતો કરવાની જવાબદારી પણ નિયુક્ત વકીલોને સોંપાઈ છે.