બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને EDએ સમન્સ પાઠવી 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. મહાદેવ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં અભિનેતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં આ તો શરૂઆત માનવામાં આવે છે હજી બીજા બોલિવૂડના લગભગ 15 કલાકારો EDના સ્કેનર હેઠળ છે. આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી છે. મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી અને માલિક સૌરભ ચંદ્રાકરના લગ્નમાં રણબીર કપૂરે પણ હાજરી આપી હતી. સૌરભ ચંદ્રાકર પર હવાલા દ્વારા કલાકારોને પૈસા આપવાનો આરોપ છે અને અત્યાર સુધીમાં ED આ કેસમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી અને માલિક સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. કેટલાક સ્ટાર્સે ત્યાં પરફોર્મ પણ કર્યું હતું. જેમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, નેહા કક્કર, એલી અવરામ, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, ભારતી સિંહ, સની લિયોન, ભાગ્યશ્રી, પુલકિત, ક્રિષ્ના અભિષેક, અલી અસગર, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને અસગર અલીના નામ સામેલ છે.
સૌરભના લગ્ન સંયુક્ત આરબ અમીરાતમાં થયા હતા. તપાસ દરમિયાન પોલીસને લગ્નનો એક વીડિયો પણ મળ્યો હતો, જેમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. EDને શંકા છે કે હવાલા દ્વારા કલાકારોને 200 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સૌરભ ચંદ્રાકર એક સામાન્ય પરિવારમાંથી આવે છે પરંતુ આજે તે સટ્ટાબાજીનો રાજા બની ગયો છે અને પોલીસની પહોંચની બહાર છે. તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરભના પાકિસ્તાન સાથે પણ કનેક્શન છે અને તેણે ત્યાં પણ પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યો છે. આ સિવાય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું પણ તેને સંરક્ષણ ધરાવે છે. છેલ્લા 6 મહિનામાં મહાદેવ ઓનલાઈન એપની તપાસ ચાલી રહી છે. ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી-હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોની શાખાઓ પણ તપાસની વરુણીમાં છે.