સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, હેડ કોન્સ્ટેબલ હોદ્દાનો દૂરપયોગ કરી ગુપ્ત રાહે સીડીઆર પુરા પાડતો હતો. સીડીઆર પુરા પાડવા પાછળ કોઈક સુનિયોજીત રેકેટની પોલીસને શંકા છે. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ બાદ સુરત પોલીસમાંથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિપુલ કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જોકે, 7 મહિનાથી તે ફરજ પર હાજર રહેતો ન હતો. સુરત પોલીસને તેની પ્રવૃત્તિ પર નજર રાખવાની સુઝ ન પડી કે તેના કારનામાની અન્ય રીતે પણ ગંધ ન આવી ત્યાં નબળાઈ છતી થાય છે.
તાજેતરમાં જ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસને સંડોવતા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા અને વેચવામાં રોકાયેલા હોવાની બાતમી મળીના આધારે આ એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્ય સુત્રધારની ધરપકડ થયા બાદ જેમ જેમ નામ ખુલતાં ગયા આ ગુનામાં સામેલ અન્યને પકડવા દરોડા ચાલુ છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા.
દિલ્હી પોલીસને ખાનગી ડિટેક્ટીવ એજન્સી માટે કામ કરતા એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી, જે ગેરકાયદેસર રીતે સીડીઆર આપે છે. તેને રંગે હાથે પકડવા, પોલીસે એક નકલી ગ્રાહક તરીકે ઉભો કર્યો અને ફોન નંબરના CDR માટે એજન્સીનો સંપર્ક કર્યો. પોલીસ દ્વારા છટકું ગોઠવી તેની ધરપકડ કર્યા બાદ તપાસનો દૌર લંબાવી એક પછી એક ધરપકડ શરૂ થઈ છે. આરોપીઓ પાસેથી ફોન નંબરની સીડીઆર અને 25,000 વિગતો ધરાવતી પેન ડ્રાઇવ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આવી ઘણી એજન્સીઓ આવા કામમાં રોકાયેલી છે અને લોકોની અંગત માહિતી અને સીડીઆરની આપલે માટે મોટી રકમ વસૂલવામાં આવે છે.
પોલીસને આશંકા છે કે આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ છે. પૂછપરછ દરમિયાન, ડિટેક્ટીવ એજન્સીનો માલિક અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેનાર વ્યક્તિની ભૂમિકા બહાર આવી હતી. ગેંગ દ્વારા 500થી વધુ સીડીઆર વેચવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગ્રાહકો ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરતા હતા. આરોપીઓએ ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા ઈમેલ આઈડીમાં ડ્રાફ્ટ દ્વારા સીડીઆર પણ પૂરા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મોટાભાગના સીડીઆર વૈવાહિક વિવાદો અથવા લગ્નેતર સંબંધોની શંકા સાથે સંબંધિત હોવાથી આ કાંડમાં અન્ય ફણગાંઓ ફૂટી શકે છે.