જૂનથી, નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં ફસાયેલા છે. નાસા બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા માટે સતત કામ કરી રહ્યું છે. ત્યારે બંને અવકાશયાત્રીઓને પરત લાવનાર અવકાશયાન અવકાશમાં પહોંચી ગયું છે. નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયું છે. આ ટીમમાં નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવનો સમાવેશ થાય છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન 2024 માં બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા અવકાશમાં પહોંચ્યા હતા. હવે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ક્રૂ-9ના આગમનથી ખૂબ જ ખુશ છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
સ્પેસએક્સના ક્રૂ-9નું ISS પર સ્વાગત કરવામાં આવ્યું
સ્પેસએક્સ ક્રૂ-9 જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. SpaceX એ શનિવારે આ મિશન લોન્ચ કર્યું હતું. નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અવકાશયાત્રી નિક હેગ અને એલેક્ઝાંડર ગોર્બુનોવ સાંજે 7:04 કલાકે સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, માઈકલ બેરેટ, જીનેટ એપ્સ, ડોન પેટિટ, રોસકોસમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગ્રેબેનકિન, એલેક્સી ઓવચિનિન અને ઈવાન વેગનર સહિત સ્પેસ સ્ટેશનના એક્સપિડિશન 72 ક્રૂ દ્વારા બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે.
સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત આવશે?
માહિતી અનુસાર, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર ઔપચારિક રીતે ફેબ્રુઆરી 2025 સુધી તેમનું કામ ચાલુ રાખશે. ત્યારપછી તે એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-9 મિશનને સોંપવામાં આવેલા અન્ય બે ક્રૂ સભ્યો સાથે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફરશે. આ સિવાય સુનીતા અને વિલ્મોર સતત સ્પેસ સ્ટેશનથી પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. અવકાશમાં રહેતી સુનીતાએ જણાવ્યું કે તે તેના બે કૂતરા, મિત્રો અને પરિવારને ખૂબ મિસ કરી રહી છે.