ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોને સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનથ કોવિદે આજે જણાવ્યું હતું કે લોકશાહીના મંદિરમાં આવીને ઘણી પ્રસન્નતા થઈ છે કારણકે ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય છે. ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે ઉમાશંકર જોશીની કવિતાની પંક્તિઓ પણ ગૃહમાં સંભળાવી સૌને ચકીત કરી દીધા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સતત સંઘર્ષે ગુજરાતના લોકોએ ઘણા મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતના બારડોલી સત્યાગ્રહે જન આંદોલનને નવું રૂપ આપ્યું એટલું જ નહીં ગાંધી બાપુએ શરૂ કરેલા મીઠાના આંદોલને પણ આઝાદીના આંદોલનને વેગ આપ્યો હતો અને દેશમાં આઝાદીની લડતનું ઝનુન ઊભું કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે પરંતુ દેશવાસીઓમાં સરદાર પટેલ માટે અનેક ઊંચું સ્થાન છે. રાષ્ટ્રપતિએ નરસિંહ મહેતાને પણ પોતાના વક્તવ્યમાં યાદ કર્યા હતા અને તેમણે લખેલા વૈષ્ણવજન ભજન આઝાદીનું ભજન બની ગયું હોવાનો ભવ્ય ભૂતકાળ પણ યાદ કર્યો હતો. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પાટલી થપથપાવીને પંક્તિઓને વધાવી હતી .
આ ઉપરાંત તેમણે પોતાના પ્રવચનમાં જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ગિરનાર વડનગર અને સાબરમતી આશ્રમ સહિત સૌરાષ્ટ્રના સોમનાથનો પણ પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગુજરાત દૂધ ઉત્પાદક ક્ષેત્રમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે અને એટલે જ ગુજરાતના અમિત શાહે સહકાર મંત્રાલય બનાવી તેનું સુકાન સંભાળ્યું હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે કહ્યું હતું કે દેશમાં ગુજરાતના વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈ હતા.
ત્યારબાદ આજે નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન ગુજરાતના છે ત્યારે તેમને પણ નજીકથી જાણવાની તક મને પ્રાપ્ત થઈ છે અને એટલે જ ગુજરાત આજે અગ્રણી રાજ્ય આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર દેશ-દુનિયામાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે અને ગુજરાતે મહાન જન નાયકોની પરંપરા જાળવી રાખી હોવાનું જણાવ્યું હતું અને આઝાદીકા અમૃત મહોત્સવ પર્વને તમામ સભ્યો એકસાથે મનાવે તેવી અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ કોવિદે જણાવ્યું હતું કે ગુજરાતીઓની ઉદારતા એ ભારતની વિશેષતા છે. સરદાર અને ગાંધીના આ ગુજરાતમા વિવિધતામાં એકતાના દર્શન થાય છે એ ગૌરવની વાત છે. દેશની શતાબ્દી પર્વમાં ભાવિ પેઢી ગર્વ કરે તેવા કર્તવ્ય કરવાની અપીલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કરી છે.
ગુજરાત વિધાનસભામાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના પ્રવચન બાદ વિધાનસભા ગૃહમાંથી તેઓ સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત વર્તમાન મંત્રીમંડળના સભ્યો સાથે નમસ્તે કરી વિદાય લીધી હતી ત્યારબાદ વિધાનસભાગૃહમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ ભારત માતાકી જયના નારા લગાવતાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પણ સુર પુરાવ્યો હતો તો સામે ભાજપના સભ્યોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારાથી ગૃહને ગુંજવી દીધું હતું.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આવતીકાલે જામનગરમાં ભારતીય નૌકાદળના મથક આઈએનએસ વાલસુરાને પ્રેસીડેન્ટ કલર્સ સુપ્રત કરશે.