કોર્પોરેટ જગત દ્વારા સામાજીક જવાબદારી નિભાવવારૂપે હાથ ધરાતી યોજના- પ્રોજેકટો પર વોચ રાખતા અમદાવાદ સ્થિત સંગઠનના રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે કંપનીઓએ સામાજીક જવાબદારી પાછળનો ખર્ચ ઘટાડી નાખ્યો છે. ગુજરાતની 16 મોટી કંપનીઓના આ પ્રકારના ખર્ચમાં 30 ટકાનો ઘટાડો હોવાનો ખુલાસો થયો છે.
જાણકારોનું કહેવું છે કે, કોરોનાકાળ બાદ અર્થતંત્ર ધમધોકાર છે અને કોર્પોરેટ જગતની કમાણી પણ ધરખમ વધી છે છતાં કોર્પોરેટ જગત સામાજિક ઉત્તરદાયિત્વની દિશામાં પોતાના હાથ પાછા પાડતું હોય એ ઘણા સ્તરે વિચાર માંગતો મુદ્દો નિશ્ચિતપણ બની રહે છે. હકીકતમાં સામાજીક જવાબદારી નિભાવવારૂપે હાથ ધરાતી યોજના- પ્રોજેકટો પર વોચ રાખતા અમદાવાદ સ્થિત સંગઠનના રિપોર્ટ કહી રહ્યો છે એ મુજબ, ગત નાણાંકીય વર્ષમાં ગુજરાતની ટોચની 16 કંપનીઓએ સામાજિક જવાબદારીરૂપે 260.29 કરોડનો ખર્ચ કર્યો હતો જે આંકડો ગત વર્ષે 369.4 કરોડનો હતો. આ વિગતો બહાર લાવવા સંગઠને લગભગ 301 જેટલી કંપનીઓનો સરવે કર્યો હતો ત્યારબાદ તેમાંથી ટોચની 16 કંપનીઓને અલગ તારવવામાં આવી હતી.ગુજરાત સ્થિત કંપનીઓ દ્વારા દેશના જુદા-જુદા ક્ષેત્રોમાં સામાજીક જવાબદારીરૂપે 262 પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હતા.
કોરોનાકાળમાં અનેક કંપનીઓની કમાણીને ફટકો પડયો હતો. અનેક ખોટમાં ધકેલાઈ હતી. આ કંપનીઓએ સામાજિક જવાબદારી પરનો ખર્ચ કરવાનું ટાળ્યુ હતું અને તેને કારણે ખર્ચ ઓછો થયો છે. આવું ફક્ત ગુજરાત સાથે જ થયું છે એવું નથી, દેશભરના કોર્પોરેટ ક્ષેત્રે આ ટ્રેન્ડ છે. હકીકત એ પણ નકારી શકાય તેમ નથી કે, કોરોનાકાળ દરમિયાન કંપનીઓએ ઉંચા ખર્ચ કરી નાખ્યા હતા પરંતુ હવે તેમાં પણ સંતુલન કરાઈ રહ્યું છે.
જાણકારોના કહેવા પ્રમાણે કોરોના કાબુમાં આવી ગયા પછી પણ હજુ કોર્પોરેટ કંપનીઓ સામાજિક જવાબદારી પેટે આરોગ્ય ક્ષેત્રને જ પ્રાધાન્ય આપી રહી છે. ગત વર્ષે કુલ ખર્ચમાં 60 ટકા ફક્ત આરોગ્યક્ષેત્રમાં જ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ ક્ષેત્રે પણ વિવિધ કંપનીઓ થકી નોંધપાત્ર ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો, 2021-22માં દેશભરની કંપનીઓએ સામાજિક જવાબદારી હેઠળ 596.12 કરોડ ફાળવ્યા હતા. જે 2020-21ની સરખામણીએ 12 ટકા ઓછા છે. 2020-21માં ગુજરાતને 616 કરોડ મળ્યા હતા. દેશની 179 કંપનીઓએ ગુજરાતમાં 1000 પ્રોજેકટ અમલમાં મુકયા હતા. એક પ્રોજેકટ પાછળ સરેરાશ ખર્ચ 59 લાખ જેટલો હતો. હવે જ્યારે કોરોના લગભગ ભૂતકાળ બની રહ્યો છે અથવા તો તેની ભયાનક્તા ગુમાવી ચૂક્યો છે ખાસ કરીને શિક્ષણ, કૌશલ્ય, પર્યાવરણ, સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રમાં કંપનીઓનો ખર્ચ વધી શકે છે.