રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત મળી હતી. રવિવારે અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાતના 10:00 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવનની ઝડપ સાથે વીજળીના કડાકાભડાકા સહિત મેઘરાજાનું આગમન થવાની શક્યતા હતી. એને પગલે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જોકે ચોમાસાનો વરસાદ નથી, તેથી થોડા સમય માટે અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. ત્યાર બાદ તાપમાન યથાવત્ રહેતાં ગરમી અને બફારાનો અહેસાસ થશે, જોકે સૂર્યાસ્ત બાદ રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થતાં આજે રાત્રે વાતાવરણમાં ઠંડક આજે રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરે એવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ગુજરાતના 14 જિલ્લામાં મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઇ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બાબરામાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ત્રબોડાની નદીમાં જીપ તણાઇ ગઇ હતી.તો બીજી તરફ ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ ગોઝારી ઘટનામાં ચારથી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. તો વડોદરાના કોટા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે.