કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ( CIAT ) દ્વારા બજેટમાં વેપારીઓના હિતમાં 18 પોઈન્ટનું માંગપત્ર રજૂ કર્યો છે.
સરકાર વેપારીઓના હિતમાં આ નિર્ણયો લે એવી અપેક્ષા સાથે ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગત, ઉપપ્રમુખ ચંપાલાલ બોથરા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર શાહે ગુજરાત બ્રેકિંગ સમક્ષ જણાવ્યા અનુસાર, 18 સૂત્રીય બજેટ માંગમાં તેમણે GST ટેક્સ સિસ્ટમની નવી સમીક્ષા તેમજ આવકવેરાના કર દરોમાં ઘટાડો કરવાની જાહેરાત થાય તેવી અપેક્ષા રાખી છે. એ ઉપરાંત છૂટક વેપારને લાગૂ પડતાં તમામ કાયદા અને નિયમોની પણ સંપૂર્ણ સમીક્ષા થવા સાથે વન નેશન-વન ટેક્સની તર્જ પર જ વન નેશન-વન લાઇસન્સ નીતિની માંગ કરી છે.
CIATના માંગપત્રમાં વેપારીઓ માટે અસરકારક પેન્શન યોજના, ઉત્તરપ્રદેશની તર્જ પર વેપારીઓ માટે વીમા યોજના શરૂ થાય તેવો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. એ સિવાય નાના વ્યવસાયો માટે વિવિધ ક્રેડિટ રેટિંગ ધોરણો, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા વેપારીઓને સરળ ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થાની માંગ આ પત્રમાં ઊઠાવાઇ છે. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા વેપારીઓને લોન મેળવવા સક્ષમ કરવાની પણ રજૂઆત થઇ છે. એ ઉપરાંત આવકવેરા કાયદાની કલમ 138 હેઠળ વેપારીઓ વચ્ચે પરસ્પર ચૂકવણી અને ચેક બાઉન્સ જેવા વિવાદો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના થાય તેવો આગ્રહ રજૂ થયો છે.
સરકાર બજેટમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની તર્જ પર ગામડાઓ નજીક સ્પેશિયલ ટ્રેડ ઝોન બનાવવાની જાહેરાત કરે તો સાથોસાથ આંતરિક અને બાહ્ય વેપારને પ્રોત્સાહન આપવા માટે દેશ અને સમગ્ર વિશ્વમાં વેપાર મેળાઓ અને ભારતીય ઉત્પાદનોના પ્રદર્શનોનું આયોજન કરે તેવી માંગ પણ આ પત્ર દ્વારા કરવામાં આવી છે. વેપારી સમુદાયમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને અપનાવવા પ્રેરાય એ હેતુથી વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત સરકાર કરે તેવા આગ્રહ સાથે ગ્રાહક કાયદા હેઠળ ઈ-કોમર્સ નીતિની તાત્કાલિક જાહેરાતની માંગ પણ કરવામાં આવી છે અને એ સાથે જ જણાવાયું છે કે ઈ-કોમર્સ માટે રેગ્યુલેટરી ઓથોરિટીની રચનાની પણ જાહેરાત થાય. છૂટક વેપાર માટે રાષ્ટ્રીય વેપાર નીતિ તેમજ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં આંતરિક વેપાર માટે અલગ મંત્રાલયની જાહેરાત કરવા પણ આ માંગપત્રમાં આગ્રહ થયો છે.