ચીનથી ઈટાલી જતી ફ્લાઈટના અડધા મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. આ કારણે ચીનથી અન્ય દેશોમાં કોરોના ફેલાવવાનું જોખમ વધુ વધી ગયું છે. આ કારણોસર, ભારત અને અમેરિકા સહિત સાત દેશોએ ચીનથી આવનારા મુસાફરો માટે પ્લેનમાં ચડતા પહેલા કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
ચીનથી મિલાન જતી બે ફ્લાઇટમાં મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે. એક ફ્લાઈટના 92 પેસેન્જર્સમાંથી 35 એટલે કે 38 ટકા અને બીજી ફ્લાઈટના 120 પેસેન્જર્સમાંથી 62 એટલે કે 52 ટકા પેસેન્જરો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, દેશમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓની હાજરી હોવા છતાં ચીન પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. નવા વર્ષમાં કોવિડના ખતરાનું સ્તર ‘A’ થી ઘટાડીને ‘B’ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે, કોરોના દર્દીને ક્વોરેન્ટાઇન કરવાની જરૂર રહેશે નહીં.
ચીને એ પણ જાહેરાત કરી છે કે તે આવતા મહિને શરૂ થનારી ચાઈનીઝ લૂનર ન્યૂ યરની રજા દરમિયાન વિદેશ પ્રવાસ કરવા ઈચ્છતા લોકોને લાખો સામાન્ય પાસપોર્ટ અને વિઝા ઈશ્યુ કરશે. આનાથી સમગ્ર વિશ્વમાં કોવિડના નવા પ્રકોપનું જોખમ વધી ગયું છે.
કોરોનાના કારણે ચીન લગભગ ત્રણ વર્ષ સુધી આખી દુનિયાથી કપાયેલું રહ્યું, કારણ કે મોટાભાગના દેશોએ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલા માટે તે તેના પ્રવાસીઓની વિદેશ મુલાકાતો પરના પ્રતિબંધો હટાવી રહ્યો છે. 2020 પછી પ્રથમ વખત ચીન આ છૂટ આપી રહ્યું છે, પરંતુ વિશ્વભરમાં કોવિડના દૃષ્ટિકોણથી આ પગલું ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, ટ્રાવેલ કંપનીઓ Trip.com અને Qunarના જણાવ્યા અનુસાર, ચીન દ્વારા હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ટિકિટ બુકિંગ અને ચીની પ્રવાસીઓ દ્વારા સંબંધિત શોધમાં પાંચથી આઠ ગણો વધારો થયો છે. ચીનના લોકોએ જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયાની મુસાફરીમાં રસ દાખવ્યો.
ચીનમાં કોવિડના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે ચીનથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારાઓ માટે આ તપાસ જરૂરી રહેશે. ભારતમાં આગમન પર, આ દેશોના કોઈપણ પ્રવાસી કે જેમને કોરોનાના લક્ષણો જોવા મળે અથવા કોવિડ-19થી સંક્રમિત જણાય તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. તેવી જ રીતે અમેરિકા, જાપાન, મલેશિયાએ પણ ચીનથી આવતા લોકો માટે કોવિડ નેગેટિવ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.