ગેમીંગ એપના માધ્યમથી બાળકોનું બ્રેઈન વોશ કરી ધર્માંતરણ કરવાના કાવતરમાં રોજેરોજ નવા ખુલાસાઓ દેશને ચોંકાવી રહ્યા છે. ગેમીંગ એપના માધ્યમથી સગીરોના ધર્માંતરણના મામલામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવને પત્ર લખીને બે ગેમીંગ એપના નામ આપતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 10 દિવસમાં તપાસનો રિપોર્ટ આવ્યા બાદ બંને એપ્સ પર આગળ સખત કાર્યવાહી થાય તેની રાહ જોવાઈ રહી છે. આ ગેમ્સ જો તમારા મોબાઈલમાં પણ સર્ચ એન્જિનથી લઈને કોઈપણ ખૂણે દેખાતી હોય તો ચેતી જવા જેવું છે.
રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અલકેશ કુમાર શર્માને આ બાબતે પત્ર લખ્યો છે. પત્રમાં એવી વિનંતી કરાઈ છે કે એવો નિયમ બનાવવો જોઈએ જેથી સગીર બાળક કોઈપણ ગેમને ના તો હોસ્ટ કરી શકે અને ના તો તેને અપલોડ ડાઉનલોડ કરી શકે. સગીર બાળકો આ પ્લેટફોર્મ કે પ્રતિબંધિત ગેમનો ઉપયોગ ન કરી શકે તેના માટે નિર્દેશ જાહેર કરવાની માંગ કરી છે.
ગેમના માધ્યમથી ધર્માંતરણ બાદ સગીરોને દુબઈ લઈ જવાની લાલચ અપાઈ હતી. જેમાં વિમાન યાત્રા, ખાવા-પીવાનું રહેવાનું બધુ મફત આપવાની લાલચ અપાતી હતી. ફરીદાબાદમાં આવો ઓનલાઈન ગેમથી બાળકોના ધર્માંતરણનો કિસ્સો બહાર આવ્યો હતો. આ ઓનલાઈન ગેમથી સગીરોના ધર્માંતરણના તાર ખાડી દેશોમાં બેઠેલા કટ્ટરપંથીઓનો સાથ હોવાની શક્યતા હાલ ગહન તપાસનો વિષય છે.
હવે તમને એ ગેમ અંગે જણાવી દઈએ જેની મદદથી ધર્માંતરણના ખેલને અંજામ અપાતો હતો. ફોર્ટ નાઈટ અને તુસ્કોર્ડ નામની ગેમીંગ એપના તપાસના આદેશ અપાઈ ચૂક્યા છે અને તેના રિપોર્ટ જાહેર થાય તેવી રાહ જોવાઈ રહી છે. જો તમારા મોબાઈલમાં પણ કોઈ રીતે આ બંને નામો ક્યાંક દેખાઈ રહ્યા હોય તો તેને દૂર કરવામાં જ ભલાઈ છે એ નિશ્ચિત છે.